ટોક્યો ઓલિમ્પિક્સમાં રવિવારનો દિવસ ભારત માટે ઐતિહાસિક બની રહ્યો હતો. એકતરફ પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને બે વ્યક્તિગત ઓલિમ્પિક્સ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી, તો બીજીતરફ ભારતીય પુરૂષ હોકી ટીમે અહીં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને 3-1થી હરાવીને 49 વર્ષ પછી રમતોના મહાકુંભની સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો.8 વારની ગોલ્ડ મ઼ડલિસ્ટ ભારતીય હોકી ટીમ વતી દીલપ્રીત સિંહ, ગુરજંત સિંહ અને હાર્દિક સિંહે ગોલ કર્યા હતા અને આ ત્રણેય ગોલ ફિલ્ડ ગોલ રહ્યા હતા, જ્યારે બ્રિટન તરફથી એકમાત્ર ગોલ સેમ વાર્ડે પેનલ્ટી કોર્નરની મદદથી કર્યો હતો. ભારતીય ટીમ હવે મંગળવારે રમાનારી સેમી ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમની સામે રમશે, જે અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને 3-1થી હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ્યું છે.
જ્યારે બીજી સેમી ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને જર્મનીની વચ્ચે રમાશે. ભારતીય હોકી ટીમ છેલ્લે 1980માં રમાયેલી મોસ્કો ગેમ્સ દરમિયાન ગોલ્ડ મેડલ જીતી હતી, પણ તે સમયે માત્ર છ ટીમોએ તેમાં ભાગ લીધો હતો અને તેમાં કોઇ સેમી ફાઇનલ નહોતી. ભારતીય હોકી ટીમ છેલ્લે 1972માં મ્યુનિચ ગેમ્સની સેમી ફાઇનલમાં રમી હતી, અને તે સમયે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 0-2થી પરાજીત થઇ હતી. આજની મેચમાં ભારતીય ટીમ માટે ગોલકીપર પીઆર શ્રીજેશ દિવાલ બનીને ઊભો રહ્યો હતો અને બ્રિટનને કુલ 7 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, તેમાંથી માત્ર એકને તેઓ ગોલમાં ફેરવી શક્યા હતા. ટોક્યો ગેમ્સમાં ભારતીય હોકી ટીમનો સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ એકંદરે પ્રભાવક રહ્યો છે. પોતાની ગ્રુપ સ્ટેજની મેચોમાં ભારતીય ટીમ માત્ર ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર મેચ 1-7થી હારી છે. જો કે એ સિવાય ગ્રુપ સ્ટેજની બાકીની મેચોમાં ન્યુઝીલેન્ડને 3-2થી, સ્પેનને 3-0થી, આર્જેન્ટીનાને 3-1થી જાપાનને 5-3થી હરાવ્યા પછી ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને 3-1થી હરાવીને હવે સેમીમાં પ્રવેશ કર્યો છે.