મેડિકલ રિસર્ચ જર્નલ ‘ધ લેન્સેટ’એ તેના એક સંપાદકીયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અંગે આકરી ટિપ્પણી કરી છે. તેણે લખ્યુ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય માફીને લાયક નથી. તેમણે ગયા વર્ષે કોરોના મહામારીનું સફળ નિયંત્રણ કર્યા બાદ બીજી લહેરનો સામનો કરવામાં જે ભૂલ થઈ છે તેની જવાબદારી લેવી જોઈએ. ધ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનના સંપાદકીય અહેવાલમાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભારતમાં આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં કોરોનાની મહામારીથી 10 લાખ લોકોના મોત થશે. જો આમ થશે તો મોદી સરકાર આ રાષ્ટ્રીય તબાહી માટે જવાબદાર હશે. કારણ કે કોરોનાના સુપર સ્પ્રેડરના નુકસાન અંગે ચેતવણી આપવામાં આવી હોવા છતાં સરકારે ધાર્મિક આયોજનને મંજૂરી આપી છે, આ સાથે અનેક રાજ્યોમાં ચૂંટણી રેલીઓનું આયોજન કર્યું હતું.
