નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર અને ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર વચ્ચે થયેલી બેઠક બાદ અનેક રાજકીય અટકળો શરૂ થઇ ગઇ હતી. આ બંને વચ્ચે 15 દિવસમાં બે બેઠક થતાં અનેક તર્કવિતર્ક વહેતા થઇ ગયા હતા. એવી અટકળો શરૂ થઇ હતી કે, ત્રીજા મોર્ચાની રચનામાં વિપક્ષો પ્રશાંત કિશોરનો ઉપયોગ કરી શકે છે અને તેના માટે તેઓ રણનીતી બનાવશે. આ બેઠક પછી એનસીપી તરફથી કોઇ જ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું તો બીજી તરફ પ્રશાંત કિશોરે પણ આ બાબતે કોઇ જ ટિપ્પણી નહીં કરતાં રહસ્ય વધુ ઘેરાયું હતું. પરંતુ પ્રશાંત કિશોરે આ બાબતે મૌન તોડ્યું હતું અને નેશનલ ચેનલ એનડીટીવીને ઇન્ટરવ્યું આપ્યો હતો. આ ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું હાલની રાજકીય સ્થિતિમાં ત્રીજા કે ચોથા મોર્ચાની એવી કોઇ તાકાત નથી કે તેઓ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, 2024માં આવનારી ચૂંટણીમાં તેમની કોઇ જ ભૂમિકા રહેશે નહીં.
તેમના આ નિવેદન બાદ તમામ અટકળોનો અંત આવી ગયો છે. પ્રશાંત કિશોરને ચૂંટણીમાં રણનિતી નક્કી કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. બિહારમાં નિતીશ કુમારને ચૂંટણી જીતાડવામાં તેમનો મહત્વનો રોલ રહ્યો હતો અને તેઓ જેડીયુના પદ પર પણ રહી ચૂક્યાં છે. જો કે ત્યારબાદ તેમણે જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો. તાજેતરમાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે તૃણમુલ કોંગ્રેસ માટે રણનીતી નક્કી કરી હતી. તેમાં બંગાળમાં મમતા બેનર્જીને સંપૂર્ણ બહુમતિ મળી હતી.