અમેરિકાના નવા પ્રમુખની જાહેરાત પછી પહેલી વખત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઇ રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન 24મી સપ્ટેમ્બરે તેઓ જો બાઇડન સાથે મુલાકાત કરશે. તે પહેલા તેઓ 23મી તારીખે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે. ત્યાર પછી 25મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેશે. આજે બુધવારે રાતથી તેમનો શરૂ થનારો આ કાર્યક્રમ પાંચ દિવસનો રહેશે. તેઓ આ સમયગાળા દરમિયાન જુદા જુદા અન્ય દેશોના નેતા સાથે પણ મુલાકાત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 100 દેશના નેતા પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અમેરિકાના પ્રવાસ પહેલા ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીએ જાતે જ આ કાર્યક્રમની જાહેરાત કરી છે.
તેમણે કરેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, 22 થી 25 સપ્ટેમ્બરની વચ્ચે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિને મળશે અને ભારત અને અમેરિકાની વૈશ્વિક નિતી પર ચર્ચા વિચારણા કરશે. આ ઉપરાંત તેઓ ક્ષેત્રિય મુદ્દાઓ ઉપર પણ વૈચારિક આદાન પ્રદાન કરશે. તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ બાઇડન, ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર સ્કોટ મોરીશન અને જાપાનના વડા પ્રધાન યેશીહેદી સુગાને વ્યક્તિગત રીતે કવાડ લિડર્સ સમિટ દરમિયાન મુલાકાત કરશે. તેમણે વધુમાં લખ્યું છે કે, આ શિખર સંમેલન હિન્દ અને પ્રશાંત ક્ષેત્ર માટે સંયુક્ત દ્રષ્ટીકોણના આધારે ભવિષ્યના આયોજન અંગે પ્રાથમિકતા નક્કી કરવા માટેનો અવસર પ્રાપ્ત કરાવે છે. આજે એટલે કે 22 સપ્ટેમ્બરની મોડી રાત્રે અમેરિકા પહોંચશે અને વોશિંગ્ટન ડીસીમાં તેઓ અમેરિકાના ટોચના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથેમુલાકાત કરશે. આ મુલાકાતોમાં એપલના પ્રમુખ ટીમ કુકની સથેની બેઠકનું પણ આયોજન છે.
જો કે, અધિકારીઓ આ બેઠકના સંપૂર્ણ કાર્યક્રમને સમર્થન નથી આપી રહ્યાં. સમાચાર એજન્સી એએનઆઇના અહેવાલમાં કહેવાયું છે કે, તેમના કાર્યક્રમની રૂપરેખા હજી આપવામાં આવી રહી છે. અમેરિકાના ઉચ્ચ બિઝનેશ મેનની સાથે બેક ટુ બેક બેઠક પછી તેઓ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે. સાથે જ તેઓ ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાનો સાથે પણ મુલાકાત કરશે. અમેરિકાની તેમની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે, પહેલી વખત તેઓ બાઇડનને મળી રહ્યાં છે અને આ મુલાકાતમાં બંને પક્ષ વચ્ચે કેટલીક મહત્વની ચર્ચાઓ થઇ શકે તેમ છે.