પીએમ મોદીએ મમતા બેનર્જીને ફોન કરી બંગાળના પૂરની માહિતી મેળવી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી કે, દામોદર વેલી કૉર્પોરેશન (ડીવીસી) કથિત રીતે ડેમમાંથી બિનઆયોજિત રીતે પાણી છોડે છે. જેના કારણે રાજ્યમાં ‘માનવસર્જિત’ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાને બેનર્જીને ફોન કરીને પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાજ્યમાં પરિસ્થિતી સામાન્ય કરવા માટે તમામ કેન્દ્રીય સહાયતાની ખાતરી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, વાતચીત દરમિયાન પીએમ મોદીએ પૂછ્યું કે, શું પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રીએ તેમને કહ્યું કે, પરિસ્થિતિ માનવસર્જિત છે અને તેના માટે ડીવીસી જવાબદાર છે. બેનર્જીએ પીએમને એમ પણ કહ્યું કે, ડીવીસીએ બિનઆયોજિત રીતે પાણી છોડ્યું હતું જેના કારણે રાજ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ડીવીસીએ 31 જુલાઈથી મંગળવાર સાંજ સુધી 5.43 લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાવડા જિલ્લામાં પૂરગ્રસ્ત ઉદયનારાયણપુરની મુલાકાત કરી રહેલા મુખ્યમંત્રીએ વડાપ્રધાનને કહ્યું હતું કે, તેમની સરકાર પૂરની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાન અંગે પીએમઓને રિપોર્ટ મોકલશે.

બાદમાં, વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જારી કરાયેલ એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાને પરિસ્થિતિને સામાન્ય કરવા માટે કેન્દ્ર તરફથી તમામ સંભવિત સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. વડાપ્રધાન કાર્યાલયે (પીએમઓ) એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ડેમમાંથી પાણીના વિસર્જનને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે વાત કરી હતી. પીએમએ પરિસ્થિતિને સામાન્ય કરવા માટે કેન્દ્ર તરફથી તમામ સંભવિત સહાયની ખાતરી આપી હતી. પીએમ મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને ડીવીસી ડેમમાંથી પાણીના વિસર્જનથી પૂર્વ અને પશ્ચિમ વર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, હુગલી, હાવડા અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે અને ત્રણ લાખ લોકો વિસ્થાપિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *