વર્ષ 2019-20માં ભાજપને મળ્યું 750 કરોડનું દાન

દેશના મુખ્ય શાસક પક્ષ ભાજપને વર્ષ ૨૦૧૯-૨૦માં કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી કુલ રૂ. ૭પ૦ કરોડ દાનમાં મળ્યા હતા એમ તેણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા પોતાના ફાળાના અહેવાલમાંથી જાણવા મળે છે. કોર્પોરેટ કંપનીઓ અને વ્યક્તિગત દાતાઓ તરફથી રાજકીય પક્ષોને મળતા દાનના ચાર્ટમાં સતત સાતમા વર્ષે ભારતીય જનતા પક્ષ ટોપ પર આવ્યો છે. ૨૦૧૯-૨૦માં ભાજપે જે રૂ. ૭પ૦ કરોડની રકમ દાનમાં મેળવી તે દેશમાં લાંબા સમય સુધી સત્તા પર રહેલ કોંગ્રેસ પક્ષને મળેલા દાનની રકમ કરતા પાંચ ગણી રકમ છે. કોંગ્રેસને આ સમયગાળા દરમ્યાન રૂ. ૧૩૯ કરોડ દાનમાં મળ્યા હતા જ્યારે એનસીપીને રૂ. ૫૯ કરોડ મળ્યા હતા. આ સમયગાળામાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને રૂ. ૮ કરોડ, ડાબેરી પક્ષો સીપીએમ તથા સીપીઆઇને અનુક્રમે રૂ. ૧૯.૬ કરોડ અને રૂ. ૧.૯ કરોડ મળ્યા હતા. કોંગ્રેસને ૨૦૧૯-૨૦માં આઇટીસી અને તેની પેટા કંપનીઓ તરફથી રૂ. ૨૦ કરોડની રકમ દાનમાં મળી હતી. રાજકીય પક્ષોને મળેલા દાનમાં ઇલેકટોરલ ટ્રસ્ટો તરફથી મળેલા દાનોનો પણ સમાવેશ થાય છે. ઇલેકટોરલ ટ્રસ્ટ એ એવું ટ્રસ્ટ છે જે નામ જાહેર નહીં કરવા માગતા દાતાઓ પાસેથી દાનની રકમ મેળવે છે અને આ રકમ બાદમાં રાજકીય પક્ષોમાં વહેંચી દે છે. આમાં પ્રુડેન્ટ ઇલેકટોરલ ટ્રસ્ટ, જનકલ્યાણ ઇલેકટોરલ ટ્રસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. ભાજપને વ્યક્તિગત દાન આપનારાઓમાં ભાજપના કેટલાક સભ્યોનો પણ સમાવેશ થાય છે જેમ કે રાજ્ય સભાના સાંસદ રાજીવ ચંદ્રશેખરે ભાજપને રૂ. બે કરોડ દાનમાં આપ્યા હતા જ્યારે અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખંડુએ રૂ. ૧.૧ કરોડ દાનમાં આપ્યા હતા. પિયુષ ગોઇયલ, પ્રેમા ખંડુ, કિરણ ખેર અને રમણ સિંહે પણ દાન આપ્યું છે. ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરની જ્યુપિટર કેપિટલ, આઇટીસી ગ્રુપ, કલ્યાણ જ્વેલર્સ, અંબુજા સિમેન્ટ, મોતીલાલ ઓસ્વાલ, રેર એન્ટરપ્રાઇઝ રિયલ એસ્ટેટ કંપનીઓ મેક્રોટેક ડેવલપર્સ(અગાઉની લોઢા ડેવલપર્સ), બી.જી. શિર્કે કન્સ્ટ્રકશન ટેકનોલોજી, પ્રુડેન્ટ ઇલેકટોરલ ટ્રસ્ટ અને જનકલ્યાણ ઇલેકટોરલ ટ્રસ્ટનો સમાવેશ ભાજપના સૌથી મોટા દાતાઓમાં થાય છે. ભાજપને પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી રૂ. 217.75 કરોડ મળ્યા છે. આ ટ્રસ્ટમાં મોટા દાતાઓ ભારતી એન્ટરપ્રાઇઝ, જીએમઆર એરપોર્ટ અને ડીએલએફ છે. જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી રૂ. 45.95 કરોડ મળ્યા છે અને એમાં જેએસડબલ્યુ ગ્રૂપની કંપનીઓનું ફંડ છે. આઇટીસી ગ્રૂપ તરફથી 76 કરોડ મળ્યા છે. બિલ્ડર સુધાકર શેટ્ટી સાથે સંકળાયેલી રિયલ એસ્ટેટ કંપની ગુલમર્ગ રિઅલટર્સ તરફથી 20 કરોડ ઓક્ટોબર 2019માં મળ્યા હતા. ઈડીએ જાન્યુઆરી 2020માં શેટ્ટીના ઘર અને ઓફિસે દરોડા પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *