પાકિસ્તાનની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ શનિવારે દેશના પંજાબ પ્રાંતના એક દૂરના શહેરમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલામાં કથિત રીતે સંડોવાયેલા મુખ્ય શંકાસ્પદ લોકો સહિત 50થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે અધિકારીઓને મંદિરની રક્ષા કરવામાં નિષ્ફળતા માટે ફટકાર લગાવ્યાના એક દિવસ પછી કરવામાં આવી હતી. બુધવારે મંદિર પર થયેલા હુમલાના સંદર્ભમાં તેઓએ 150 લોકો સામે ગુનો નોંધ્યો હતો. સ્થાનિક મદરેસામાં પેશાબ કરવાના આરોપમાં પકડાયેલા આઠ વર્ષના હિન્દુ છોકરાની મુક્તિના વિરોધમાં લાહોરથી 590 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં એક ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે ટ્વિટ કર્યું હતું કે, રહીમ યાર ખાનના એક મંદિરમાં શરમજનક રીતે તોડફોડની ઘટનામાં વીડિયો ફૂટેજના વિશ્લેષણ દ્વારા અત્યાર સુધીમાં 50થી વધુ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે ખાતરી કરીશું કે, આવી કોઈ ઘટના (ભવિષ્ય)માં ન બને અને મંદિરની પુન:સ્થાપનાનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
તેમણે ધરપકડ કરાયેલા કેટલાક લોકોના ફોટોગ્રાફ્સ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. રહીમ યાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) અસદ સરફરાજે જણાવ્યું હતું કે, મંદિર પર હુમલાના કેસમાં તમામ ‘મુખ્ય શંકાસ્પદ’ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મંદિર પર હુમલામાં સંડોવણી બદલ 150થી વધુ લોકો વિરુદ્ધ આતંકવાદ અને પાકિસ્તાન દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે શુક્રવારે હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ અધિકારીઓને ફટકાર લગાવી હતી અને ગુનેગારોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે, આ ઘટનાએ વિદેશમાં દેશની છબી ખરાબ કરી છે. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ગુલઝારે કહ્યું કે, મંદિરમાં તોડફોડ દેશ માટે શરમજનક ઘટના હતી. કારણ કે, પોલીસે મૌન પ્રેક્ષકોની જેમ કામ કર્યું હતું.આ કેસની સુનાવણી 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.