પાકિસ્તાની સત્તાવાળાઓએ વ્યુહાત્મક રીતે મહત્વના ગિલ્ગિટ બાલ્ટિસ્તાનને પ્રોવિઝનલ પ્રાંતનો દરજ્જો આપવા માટેના કાયદાને આખરી ઓપ આપ્યો છે એમ મીડિયા અહેવાલ આજે જણાવતા હતા. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ જણાવ્યું છે કે સમગ્ર જમ્મુ અને કાશ્મીર તથા લડાખનો સંઘપ્રદેશ ગિલ્ગિટ અને બાલ્ટિસ્તાનના વિસ્તારો સહિત ભારતનો એક અખંડ ભાગ છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનની સરકાર કે તેની ન્યાયપાલિકાને આ પ્રદેશ પર કોઇ અધિકૃતતા નથી કારણ કે આ પ્રદેશો ગેરકાયદેસર રીતે અને બળપૂર્વક પાકિસ્તાને કબજે લઇ લીધા છે. ડોન અખબારે અહેવાલ આપ્યો હતો કે કાયદો અને ન્યાય વિભાગના મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલ સૂચિત કાયદા હેઠળ ગિલ્ગિટ-બાલ્ટિસ્તાનની સુપ્રીમ એપેલેટ કોર્ટને નાબૂદ કરવામાં આવશે અને આ પ્રદેશના ચૂંટણી પંચને પાકિસ્તાનના ચૂંટણી પંચ સાથે ભેળવી દેવામાં આવશે.
કાયદા મંત્રાલયમાંના સૂત્રોએ આ અખબારને જણાવ્યું હતું કે આ માટેના ખરડાનો મુસદ્દો તૈયાર છે જેને ૨૬મો બંધારણીય સુધારા ખરડો એવું નામ આપવામાં આવ્યું છે અને તે વડાપ્રધાન ઇમરાનખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જુલાઇના પ્રથમ સપતાહમાં વડાપ્રધાને આ માટેનો કાયદો તૈયાર કરવાનું કામ ફેડરલ કાયદા મંત્રી બેરિસ્ટર ફરોગ નસીમને સોંપ્યુ હતું. પાકિસ્તાનની સરકાર અને વિપક્ષ દ્વારા ગયા વર્ષની બેઠકમાં આ પગલાની ચર્ચા કરવામાં આવી હતી. એક વિપક્ષી નેતાના જણાવ્યા પ્રમાણે આ પ્રદેશનું મહત્વ નોંધપાત્ર રીતે વધી ગયું છે કારણ કે ચીન પાકિસ્તાન ઇકોનોમિ કોરિડોર આ પ્રદેશમાંથી પસાર થાય છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી સીપીઇસી પસાર થાય તે બાબતે ભારતે ચીન સામે વિરોધ નોંધાવ્યો છે.