કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાએ શનિવારે કહ્યું કે, ભાજપના કેન્દ્રીય નેતાઓએ તેમને પોતાની સત્તા પર બન્યા રહેવા કહ્યું હતું અને નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ ચર્ચા થઈ નથી. 79 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું કે, ‘કેન્દ્રીય નેતાઓએ મને મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાનું અને પાર્ટીને મજબૂત બનાવવા અને કર્ણાટકમાં ભાજપને ફરી સત્તા પર ખાસ ધ્યાન આપવા કહ્યું હતું. સમય સમય પર તેમની સૂચનાનું પાલન કરવાનું અમારું ફરજ છે અને નેતૃત્વમાં ફેરબદલનો તો કોઈ પ્રશ્ન નથી. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ 2023માં યોજાનાર છે, જ્યારે લોકસભાની ચૂંટણી 2024માં યોજાશે. મુખ્યમંત્રી રાજ્યના ભાજપના ધારાસભ્યો જેઓ તેમને હટાવવાની માંગ કરી રહ્યા હતા તે અંગે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
તેમણે રાજનીતિથી લઈને કાવેરી નદી પર મેકેદાતુ બેલેન્સિંગ જળાશય સુધીના મુદ્દાઓ અંગે કેન્દ્રીય નેતાઓ સાથે ચર્ચા કરી હતી. જે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે તકરારનો વિષય છે. યેદિયુરપ્પાએ દિવસની શરૂઆતમાં મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાના સમાચારોને ‘બિલકુલ સાચા નથી’ હોવાનું કહીને ફગાવ્યા હતા. બેંગલુરુમાં યેદિયુરપ્પાએ તેમના વિરુદ્ધ વૈકલ્પિક નેતૃત્વ અંગે કોઈ ચર્ચા કર્યા હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ભારપૂર્વક કહ્યું હતું કે, ભાજપમાં ‘અવેજી’ નેતાઓની કમી નથી. જો કે, તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેમને ચાર્જ આપ્યો છે અને તેઓ બધાને સાથે રાખી પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરશે.
મોદી સાથેની તેમની બેઠક અંગે બોલતા યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમની અડધા કલાકની બેઠકમાં તેઓએ રાજ્યથી લઈને રાષ્ટ્રીય કક્ષાના રાજકારણ સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, અમિત શાહ, રાજનાથ સિંહ અને નડ્ડા સાથેની વાતચીત દરમિયાન તેમણે કર્ણાટકની રાજકીય પરિસ્થિતિ અને ભવિષ્યમાં થનારા કામોની ચર્ચા કરી હતી.