ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા. જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતો. હવે તે શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કર્ફ્યુ રહેશે. તદઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
