મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના સાત ચહેરા

ગાંધીનગર : કેન્દ્રની મોદી સરકારમાંથી 14 જેટલા મંત્રીઓએ રાજીનમાં આપી દીધા છે ત્યારે કેબિનેટના આજે સાંજે કરાયેલા વિસ્તરણ દરમ્યાન નવા 43 મંત્રીઓને સમાવેશ કરાયો છે. આગામી વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે જ્ઞાતિના સમીકરણોને પણ ધ્યાને રાખીને બે રાજયકક્ષાના મંત્રીઓને બઢતી આપીને તેઓને કેબિનેટ મંત્રી બનાવાયા છે. જયારે સુરતના સાંસદ દર્શના જરદોશને પણ સ્થાન મળ્યુ છે. અટલબિહારી વાજપાઈની સરકારમાં સુરતમાંથી ભાજપના સાંસદ કાશીરામ રાણાને કેન્દ્રમાં ટેક્ષટાઈલ મંત્રી બનાવવામાં આવ્યા હતાં.
લેઉવા – કડવા પાટીદાર સમાજના બે સાંસદો મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલાને રાજયકક્ષાના મંત્રી પદેથી બઢતી આપીને તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. જયારે મધ્યગુજરાતના સાંસદ દેવુસિંહ ચૌહાણને અને સુરેન્દ્રનગરના સાંસદ ડૉ મહેન્દ્ર મુંજપરાને પણ રાજયકક્ષાના મંત્રી તરીકે સ્થાન આપવામા આવ્યું છે. આ સાથે કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતના પાંચ મંત્રીઓનો સમાવેશ કરાયો છે. જયારે પીએમ નરેન્દ્ર મોદી વારણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, જો કે તેઓ ગુજરાતના જ છે. જયારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અને રાજયસભાના સાંસદ અને વિદેશ મંત્રી એસ જયશંકરની ગણતરી કરતાં કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતના સાત મંત્રીઓને સમાવાયા છે. આ સાત મંત્રીઓમાં માંડવિયા, રૂપાલા અને એસ જયશંકર રાજયસભાના સાંસદ છે , જયારે અમીત શાહ, દર્શના જરદોશ , દેવુસિંહ ચૌહાણ અને ડૉં મુંજપરા લોકસભાના સાંસદ છે.
ગુજરાત ભાજપના પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવનો પણ કેન્દ્રિય કેબિનેટમાં સમાવેશ કરાયો છે. તાજતેરમાં દક્ષિણ ગુજરાતના ભાજપના પીઢ અગ્રણી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નીમવામા આવ્યા છે. કેબિનેટ વિસ્તારણમાં ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીના બદલાઈ રહેલા સમીકરણો પણ ધ્યાને લેવાયા છે. દર્શના જરદોષ , દેવુસિંહ ચૌહાણ અને ડૉ મહેન્દ્ર મુંજપરાની પસંદગીએ નવા ચહેરા તરીકે કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *