ટીવી સિરિયલ સાથે જોડાયેલા વધુ એક જાણીતા સ્ટાર પર ગંભીર આરોપ લાગ્યો છે. ટીવી પરદા પરની જાણીતી સિરિયલ નાગિન-3ના એક્ટર પર્લ પુરીની સગીરા પર રેપના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ટીવી એકટર કરણ મહેરાની પત્નીની મારપીટ કરવા બદલ ધરપકડ કરાયા બાદ મચેલો ઉહાપોહ હજી શમ્યો નથી ત્યાં તો વધુ એક ટીવી સ્ટાર વિવાદમાં ફસાયો છે. પર્લ પુરી નાગિન-3 ઉપરાંત બેપનાહ પ્યાર અને બ્રહ્મરાક્ષસ જેવી સિરિયલોમાં નજરે પડ્યો હતો. સગીર વયની કિશોરીએ અને તેના પરિવાજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે 4 જૂનની મોડી રાતે પર્લ પુરીની ધરપકડ કરી છે. તેની સામે POCSO એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં જ છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પર્લ પુરીના પિતાનુ નિધન થયુ હતુ. 2013માં તેણે ટીવી પર એક્ટિંગ કેરિયર શરુ કરી હતી. તે પછી તેણે દિલ કી નજર સે ખૂબસુરત, બેપનાહ પ્યાર, બ્રહ્મરાક્ષસ ટુ જેવી સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે. જોકે તેને એકતા કપૂરની નાગિન-3 થી વધારે લોકપ્રિયતા અને ઓળખ મળી છે. આ સિવાય તે કેટલાક મ્યુઝિક વિડિયોમાં પણ કામ કરી ચૂક્યો છે. દરમિયાન નાગિન-3માં તેની સાથે કામ કરનાર એક્ટ્રેસ અનીત હસનંદાનીને રેપના આરોપોથી આશ્ચર્ય થયુ છે અને તેનુ કહેવુ છે કે, હું તેને સારી રીતે ઓળખુ છું. રેપની વાત સાચી હોઈ શકે નહીં, તેની પાછળ બીજો કોઈ મામલો હશે અને બહુ જલ્દી સત્ય સામે આવશે.
