ભારતમાં ગયા અઠવાડિયે કોરોનાના જેટલા કેસો નોંધાયા એમાંથી અડધા ઉપરના કેસો એકલા મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા હતા એમ કેન્દ્રએ આજે જણાવ્યું હતું. કેન્દ્રએ ભાર મૂક્યો કે મહામારી હજી ખતમ થઈ નથી અને કોવિડ અનુરૂપ વર્તણૂકને અનુસર્યા વિના લોકો પર્યટન સ્થળોએ ધસારો કરે છે એ ગંભીર ચિંતાની બાબત છે. આવી કોઇ પણ બેદરકારી ચેપ ફેલાવાનું જોખમ વધારે છે. એક પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં હજી બીજી લહેર ચાલી રહી છે અને આપણે એ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે કોવિડ-19 પૂરું થયું એવી ગેરમાન્યતા આપણને પાલવે એમ છે કે કેમ. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પૌલે કહ્યું કે ટુરિસ્ટ સ્પોટ્સના વિઝ્યુઅલ્સ અને લોકો જે રીતે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કર્યા વિના હળી મળી રહ્યા છે એ ભારે ચિંતાની બાબત છે અને આવી બેદરકારી વાયરસના ફેલાવાનું જોખમ વધારે છે.
આપણે ગાફેલ રહી શકીએ નહીં અને આત્મસંતુષ્ટિને કોઇ સ્થાન નથી. ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે બેદરકારી કે આત્મસંતુષ્ટિને કોઇ સ્થાન નથી અને એક પણ ભૂલની દૂરગામી અસરો પડી શકે છે અને મહામારી સામેની લડાઈને નબળી પાડી શકે છે. ઉત્તરાખંડના મસૂરીમાં કેમ્પ્ટી ફૉલ્સની નીચે સેંકડો પ્રવાસીઓ ન્હાઇ રહ્યા છે એ વાયરલ વીડિયો રજૂ કરતા અગ્રવાલે કહ્યું કે આ કોવિડ 19 વાયરસને આપણને ચેપ લગાડવા માટેનું ખુલ્લું આમંત્રણ નથી? સમુદાયમાં ચેપનો પ્રસાર આપણા વર્તન સાથે જોડાયેલો છે. 80% નવા કોરોનાના કેસો દેશમાં 15 રાજ્યો અને સંઘ પ્રદેશોના 90 જિલ્લાઓમાં નોંધાઇ છે જેમાં મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકનો સમાવેશ થાય છે. ગયા સપ્તાહમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસોના 53% બે રાજ્યો- મહારાષ્ટ્ર (21%) અને કેરળ (32%)થી હતા એ ચિંતાની બાબત છે. 17 રાજ્યોના 66 જિલ્લાઓમાં 8 જુલાઇએ સમાપ્ત થયેલા સપ્તાહમાં પોઝિટિવિટી રેટ 10% કરતા વધુ હતો.
અગ્રવાલે વિદેશોના દાખલા આપતા કહ્યું કે યુરો ફૂટબૉલ મેચો પછી યુકેમાં દૈનિક સરેરશ કેસો વધ્યા છે. બાંગ્લાદેશમાં બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં કેસો વધુ નોંધાતા દેશવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું. આપણે ત્યાં કેસોમાં ઘટાડો શરૂઆતમાં તીવ્ર હતો પણ હવે ઝડપ ઘટી છે જે બતાવે છે કે કોઇએ સ્થિતિને હળવાશથી ન લેવી જોઇએ. બીજી લહેર હજી પતી નથી. કેસો વધે છે ત્યાં સુધી દેશ સલામત નથી.




