મેહુલ ચોક્સીને લાવવા ભારતે ડોમેનિકામાં વિમાન મોકલ્યું

ભારત સરકારે પંજાબ નેશનલ બેન્ક લોન કૌભાંડના ફરાર આરોપી મેહુલ ચોક્સીને પાછો લાવવા માટેના પ્રયાસો વધારે તેજ બનાવ્યા છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારતના અધિકારીઓએ બેક ચેનલ વાતચીતમાં ડોમિનિકાને કહ્યુ છે કે, મેહુલ ચોક્સી એક ભાગેડુ ભારતીય નાગરિક છે અને તેની સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ કાઢી છે.તેને ભારતને સોંપી દેવો જોઈએ.આ પહેલા એન્ટીગુઆ અને બારબુડાના પીએમ ગેસ્ટન બ્રાઉને રેડિયો શોમાં કહ્યુ હતુ કે, ભારતે પ્રત્યાપર્ણ માટેના દસ્તાવેજોની સાથે એક પ્રાઈવેટ વિમાનને ડોમિનિકા મોકલી આપ્યુ છે.સાથે જે તેમણે કહ્યુ હતુ કે, ડોમિનિકા રિપબ્લિકે ચોક્સીને વહેલી તકે ભારત પાછો મોકલી દેવો જોઈએ.જોકે ભારત સરકારે આ નિવેદનના સમર્થનમાં કોઈ કોમેન્ટ કરી નથી.બીજી તરફ એન્ટીગુઆના મીડિયા રિપોર્ટ પ્રમાણે એક પ્રાઈવેટ પ્લેન ડોમિનિકામાં લેન્ડ થઈ ચુકયુ છે અને તેના કારણે ચોક્સીના પ્રત્યાપર્ણની અટકળો તેજ બની છે.ઉલ્લેખનીય છે કે, એન્ટીગુઆથી રહસ્યમય સંજોગોમાં ગાયબ થયેલો ચોકસી પાડોશી દેશ ડોમિનિકામાં પકડાયો હતો.જે વિમાન ડોમિનિકામાં ઉતર્યુ છે તેણે 28 મેના રોજ દિલ્હી ખાતેથી ઉડાન ભરી હતી અને આજે બપોરે એક વાગ્યે ડોમિનિકા પહોંચ્યુ છે.આ પહેલા ચોક્સીએ આરોપ મુક્યો હતો કે, ભારતીય જેવા દેખાતા પોલીસ કર્મીઓએ મારુ એન્ટીગુઆ ખાતેથી અપહરણ કર્યુ હતુ અને મને ડોમિનિકા લઈ ગયા હતા.ડોમિનિકામાં ચોક્સીની એક તસવીર સામે આવી છે.જેમાં તેની આંખ પર સોજો અને હાથ પર ઈજાના નિશાન જોઈ શકાય છે. ચોક્સી અને તેના ભાણેજ નિરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક સાથે 13500 કરોડનુ લોન કૌભાંડ આચરવાનો આરોપ મુકાયેલો છે.ચોક્સી 2018માં ભારત છોડીને એન્ટીગુઆ ભાગી ગયો હતો.એ પછી આ ગોટાળો સામે આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *