એક સમયના ભાજપના સાથીદાર ગણાતા શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને એ સાબિત કરી બતાવ્યું હતું કે, રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની વિચારધારામાં ઉત્તર દક્ષિણનો તફાવત છે તેમ છતાં તેઓ સાથે આવી ગયા. ભાજપ પણ અગાઉ વિચારધારાથી બિલકુલ વિપરીત પીડીપી સાથે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવી ચૂકી છે તો ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપીએ પણ એક સમયે સાથે ચૂંટણી લડીને સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણમાં કોઇ સ્થાયી મિત્ર કે દુશ્મન નથી. મહારાષ્ટ્રમાં એનસીપીના ટેકાથી સરકાર બનાવનાર શિવસેનાનો તખતો પલટાવી નાંખવાની તૈયારી થઇ ચૂકી હોય તેમ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED) એનસીપીના નેતાઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.
આજે ઇડીએ મહારાષ્ટ્રના ટોચના નેતા ગણાતા અજીત પવારની પત્નીની સુગર મિલ એટેચ કરી દેતા ચકચાર મચી ગઇ છે અને દેશના રાજકારણમાં ફરી ગરમાટો આવી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ મહારાષ્ટ્ર રાજ્ય કો ઓપરેટિવ બેંક ગોટાળાના પ્રકરણમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર (AJIT PAWAR) સાથે સંકળાયેલી 65.75 કરોડની સંપતિ જપ્ત કરી દીધી છે. કોરેગાંવના ચીમનગાંવ સ્થિત સુગરમિલની જમીન, મકાન, પ્લાન્ટ અને મશીનરી (ED)એ જપ્ત કરી દીધી છે. આ પ્રોપર્ટી 2010માં વર્તમાન કિંમતમાં જ ખરીદવામાં આવી હતી. આ મામલામાં અજીત પવારે કહ્યું છે કે, કેન્દ્રીય એજન્સી તરફથી તેમને કોઇ નોટિસ આપવામાં આવી નથી. તેમને આ પ્રકરણની કોઇ જાણકારી પણ નથી. ઇડીએ તેના એક નિવેદનમાં કહ્યું છે કે, જે પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે તેનો માલિકી હક મેસર્સ ગુરૂ કમોડિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો છે અને મેસર્સ જરંડેશ્વર સહકારી સુગર મિલને લીઝ પર આપવામાં આવી છે. જરંડેશ્વસ સહકારી સુગર મિલનો મોટો હિસ્સો મેસર્સ સ્પાર્કલિંગ સોયલ પ્રાઇવેટ લિમિટેડની પાસે છે. જે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને તેમની પત્નિ સુનેત્રા પવાર સાથે સંકળાયેલી છે.
આ મામલામાં મુંબઇ પોલીસની આર્થિક નિવારણ શાખાએ 2019માં એક એફઆઇઆર (FIR) દાખલ કરી હતી અને તેના આધારે એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટરેટ આ મામલાની તપાસ કરી રહી છે. ઇડીનો દાવો છે કે, 2010માં મહારાષ્ટ્ર રાજ્ય સહકારી કો ઓપરેટિવ બેંકે જરંડેશ્વર સહકારી સુગર મિલની હરાજી કરી હતી પરંતુ જાણી જોઇને તેની કિંમત ઓછી રાખવામાં આવી હતી. જેને ગુરૂ કોમોડિટી સર્વિસિસ લિમિટેડે ખરીદી લીધી હતી અને તરત જ જરંડેશ્વર સહકારી સુગર મિલને લિઝ પર આપી દીધી હતી. એવો પણ આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે, અજીત પવાર અને તેમની પત્નીએ મેસર્સ ગુરૂ કોમોડિટી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના નામથી બોગસ સેલ કંપની બનાવી છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપના મહારાષ્ટ્રના અગ્રણી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે શરદ પવારના પરિવારે સહકારી બેંકોમાં ગોટાળા કરીને આવી અનેક સુગર મિલો પર કબજો કરી લીધો છે તે તમામની તપાસ થવી જોઇએ.