આંધ્રપ્રદેશ સરકારે બુધવારે કેન્દ્રને કહ્યું કે, રાજ્યમાં કેટલાક કોરોના દર્દીઓ ઑક્સિજનની અછતને કારણે મૃત્યુ પામ્યા છે. રાજ્ય સરકારે કહ્યું કે, કેટલાક કોરોના સંક્રમિત દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને આ સમય દરમિયાન ઑક્સિજનનું દબાણ ઓછું થવાના કારણે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અગાઉ રાજ્ય સરકારે સંસદને જાણ કરી હતી કે, સમગ્ર દેશમાં એક પણ મોત ઑક્સિજનના અભાવના કારણે થયું નથી. આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય છે કે જેણે સ્વીકાર્યું છે કે, ઑક્સિજનની અછતના કારણે સારવાર દરમિયાન કોરોના સંક્રમિતનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં, કેન્દ્રએ રાજ્યો પાસે કોરોનાની બીજી લહેર સંબંધિત ડેટા માંગ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રને ટાંકીને કહ્યું કે, 13 રાજ્યોએ કેન્દ્રને જવાબ મોકલ્યો છે. જેમાં અરુણાચલ, આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, હિમાચલ અને પંજાબનો સમાવેશ થાય છે. આંધ્ર ઉપરાંત પંજાબે પણ કહ્યું છે કે, તેમને શંકા છે કે 4 કોરોના દર્દીઓ ઑક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે.
સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું બીજી લહેર દરમિયાન ઑક્સિજનની અછતને કારણે રસ્તાઓ અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ સવાલના લેખિત જવાબ કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણે રાજ્યસભામાં આપતા કહ્યું હતું કે, સ્વાસ્થ્ય એ રાજ્યો સાથે જોડાયેલો મુદ્દો છે. મૃત્યુની સંખ્યા અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ઑક્સિજનની અછતને કારણે કોરોના સંક્રમિતોના મૃત્યુ વિશે કોઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે કહ્યું નથી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં એમ પણ કહ્યું હતું કે, કેન્દ્રએ કોઈ પણ રાજ્ય પર કોરોના સંબંધિત ડેટા સાથે ચેડાં કરવા દબાણ કર્યું નથી. કેન્દ્ર સરકારનું કામ માત્ર રાજ્યોમાંથી ડેટા એકત્રિત અને પ્રકાશિત કરવાનું છે.