મહારાષ્ટ્રમાં મૃત્યુંઆંક 149 પર પહોંચ્યો, બેલ્જિયમમાં પણ પૂર

મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળી આવવાની સાથે આજે આ પૂર હોનારતનો મૃત્યુઆંક વધીને ૧૪૯ પર પહોંચ્યો છે જેમાં મોટાભાગના લોકો ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં માર્યા ગયા છે.મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે થયેલા ભૂસ્ખલનની ઘટના બાદ અત્યાર સુધીમાં ૯૦ લોકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૩ લોકો ગુમ છે. એમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે (એનડીઆરએફ) રવિવારે માહિતી આપી હતી. જો કે બાદમાં લાપતા લોકોનો આંકડો ૬૪ પર મૂકવામાં આવ્યો હતો. સેનાના મહાનિર્દેશક એસ એન પ્રધાને એક ટ્વીટ દ્વારા રાજ્યના રાયગઢ, રત્નાગિરી અને સાતારા જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંગે આંકડાકીય માહિતી આપી હતી.આંકડા અનુસાર, એનડીઆરએફે આ વિસ્તારોમાંથી કુલ ૯૦ મૃતદેહો બહાર કાઢ્યા છે. જેમાંથી સૌથી વધુ 44 મૃતદેહો રાયગઢના મહાડ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત તાલિઆ ગામમાંથી મળી આવ્યા છે

.બપોરે 12:19 વાગ્યે કરેલા ટ્વીટ અનુસાર, આ ત્રણ જિલ્લાઓમાં ૩૩ લોકો ગુમ થયા છે. બાદમાં આ આંકડો ૬૪નો મૂકાયો હતો. ટ્વિટમાં જણાવ્યું છે કે, એનડીઆરએફની ટીમ રાયગઢમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત તાલિઆ, રત્નાગીરીમાં પોરાસે અને સતારા જિલ્લામાં મીરગાંવ, અંબેઘર અને ધોકાવાળામાં બચાવ અને રાહત કામગીરીમાં રોકાયેલ છે. શનિવાર સુધી રાજ્ય સરકારના અપડેટ કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રના પૂના અને કોંકણ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે રવિવારે મૃત્યુઆંક વધીને 11૩ પર પહોંચી ગયો છે. જેમાંથી એકલા દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં 52 લોકોનાં મોત નીપજ્યાં હતા. આખા રાજ્યમાં જોઇએ તો ૧૦૦ જેટલા લોકો લાપતા હોવાનું જાણવા મળે છે. રાજ્યમાંથી 1,35,313 લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. જેમાંથી સાંગલી જિલ્લાના 78,111 અને કોલ્હાપુર જિલ્લાના 40,882 લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. રાજ્યમાં બચાવકાર્ય પુરજોશમાં ચાલુ છે અને સેનાની ત્રણે પાંખો બચાવકાર્યમાં જોડાઇ છે અને તેમના વચ્ચે સંકલન માટે એક કન્ટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.

બેલ્જિયમમાં શનિવારે ભારે વરસાદના કારણે આવેલા પૂરે ફરી એકવાર અનેક વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું છે અને પૂરના પાણીની સાથે ઘણી કારો પણ વહી ગઈ હતી. પૂરની સૌથી વધુ અસર બ્રસેલ્સ શહેરના વાલૂન બ્રબાંત અને નામુર પ્રાંતોમાં થઈ હતી. પહેલાથી જ પુરથી અસરગ્રસ્ત આ પ્રાંતોમાં 36 લોકોનાં મોત અને સાત લોકો ગુમ થયા છે. બેલ્જિયમના ‘કટોકટી કેન્દ્ર’એ 1.15 કરોડની વસ્તીને ઘણા દિવસો સુધી ખરાબ હવામાન રહેવાની ચેતવણી આપી હતી. આ અગાઉ પણ ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું હતું. ડેપ્યુટી મેયર રોબર્ટ ક્લોસેટે જણાવ્યું હતું કે, પૂર સામે રાહત કાર્ય માટે અગ્નિશામક દળ તૈનાત કરાઇ છે. તેમણે કહ્યું કે, હું બાળપણથી અહીં રહ્યો છું પરંતુ આવું પહેલા ક્યારેય જોયું નથી.ગયા સપ્તાહે આવેલા પૂરમાં ખૂબ જ ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા લીઝ પ્રાંતની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં નદીઓના સ્તરમાં વધારો થવાની કોઈ શક્યતા ન હોવાથી હજુ સુધી આ વિસ્તારોને ખાલી કરાવવાની જરૂરિયાત નથી. ગત સપ્તાહે બેલ્જિયમ અને પડોશી દેશોમાં પૂરનાં કારણે મૃત્યુ પામનાર લોકોનો આંક 210ને વટાવી ગયો હતો અને અબજો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *