ભારત સહિત વિશ્વના 40 દેશોમાં પથરાયેલા 35 લાખની વસ્તી ધરાવતા મેમણ સમાજના રાષ્ટ્રીય સંગઠન ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની 50મી વાર્ષિક સાધારણ સભા અને સંમેલન જુદા-જુદા બે તબક્કામાં સુરતના ઉન અને ચોકબજાર મેમણ હોલ ખાતે યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાયપુરના મેયર એઝાઝ એહમદ અતિથિ વિશેષ તરીકે અને ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢમાંથી હોદ્દેદારો, એક્ઝિક્યુટિવ ડેલિગેટ મળી 400 લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશનના પ્રમુખ ઇકબાલ ઓફિસરે જણાવ્યું હતું કે 2015થી 2021 દરમિયાન મેમણ સમાજના ઘરવિહોણા લોકોને નવા ઘર અને જર્જરિત મકાનોવાળોને તેનો રિપેરિંગનો ખર્ચ આપવામાં આવ્યો છે. છ વર્ષમાં આવાસ માટે ફેડરેશન દ્વારા જુદી-જુદી જમાતોનો સાથ લઇ 100 કરોડનો ખર્ચ કરાયો છે. વિધવાના પરિવારોને ઘરબેઠા વર્ષ ચાલે એટલુ અનાજ આપવાનો અને ગરીબ બાળકોની ફીનો ખર્ચ પણ જમાત ઉપાડે છે. કોરોનાકાળમાં સુરતના ગરીબ લોકોને ભોજન પહોંચાડવાની સેવા બદલ અફરોઝ ફત્તા, ઇલ્યાસ કાપડિયાનું સન્માન કરાયું, આ ઉપરાંત પ્રદેશ ભાજપ લઘુમતિ મોર્ચાના પ્રમુખ મોહસિન લોખંડવાલાને પણ સન્માનિત કરાયા હતા.
