દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે અને કેટલાક સ્થળોએ વરસાદ (RAIN) રાહતના સમાચાર લઇને આવ્યો છે તો કેટલાક સ્થળોએ આફત લઇને આવ્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે તો ચાર લોકો ગુમ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર જે લોકો ગુમ થયા છે તેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સ્થળે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ પહોંચી ગઇ છે અને બચાવ કાર્ય(RESCUE) શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ગંગા, યમુના, ભાગીરથી, અલકનંદા, મંદાકિની, પિંડર, ટોન્સ, સરયુ, ગોરી, કાલી અને રામગંગા નદીઓ તેની ભયજનક સપાટીની નજીકથી વહી રહી છે. તો હરિયાણાના ગુરુગ્રામમાં પણ રવિવારે ત્રણ માળની એક ઇમારત તૂટી પડી છે જેમાં એક વ્યક્તિનું કાટમાળ હેઠળ દબાઇ જવાથી મોત થઇ ગયું છે તો બે વ્યક્તિ હજી પણ કાટમાળ નીચે ફસાઇ હોવાની આશંકા છે. આ મકાનના કાટમાળમાંથી એક વ્યક્તિને જીવીત બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મકાનમાં એક કંપનીનું ગોડાઉન આવેલું હતું અને મકાન જર્જરીત હતું.
મહારાષ્ટ્રના મુંબઇ(MUMBAI) શહેરમાં સોમવારે પણ વરસાદનું જોર યથાવત રહેવા પામ્યું હતું. અહીં સોમવારે પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા હતા. અહીં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો દિલ્હી એનસીઆરમાં પણ સોમવારે સવારથી જ વરસાદ(RAIN) વરસી રહ્યો છે. દિલ્હી(DELHI)માં ઇનકમટેક્સ ઓફસિ, એઇમ્સ અને મંડી હાઉસ પાસે પાણીનો ભરાવો થયો હોવાથી વાહનવ્યવહાર પર અસર પડી રહી છે. તો બીજી તરફ દેશમાં 18-21 જુલાઇ દરમિયાન ઉત્તર ભારતમાં અને પશ્ચિમ દરિયાકાંઠે 23 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી છે. એમ ભારતીય હવામાન વિભાગે રવિવારે કહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ વીજળી સાથે હળવાથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને તેને અડીને પશ્ચિમ ભારત અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી અને ઉત્તર મધ્યપ્રદેશમાં 18થી 21 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદનીસંભાવના છે. ત્યારબાદ, આ પ્રદેશોમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થશે. આ ઉપરાંત, 18 અને 19 જુલાઈના રોજ ઉત્તરાખંડમાં અને 19 જુલાઇએ યુપીના ઉત્તર પશ્ચિમ ભાગોના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દિલ્હી અને ચંડીગઢમાં પણ 18 અને 19 જુલાઇના રોજ કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
પશ્ચિમ કિનારે અને નજીકના અંતરિયાળ વિસ્તારોમાં પણ આગામી 5-6 દિવસ સુધી કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ(RAIN)ની સંભાવના છે. દેશમાં જુલાઇ મહિનામાં વરસાદ 26 ટકા ઓછો રહ્યો છે. એમ આઇએમડી(IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ રવિવારે પૃથ્વી વિજ્ઞાન મંત્રી જીતેન્દ્રસિંહને માહિતી આપી હતી. ભારતીય હવામાન વિભાગે તેમની મુલાકાત દરમિયાન સિંહને અધિકારીઓ દ્વારા એ પણ માહિતી આપવામાં આવી હતી કે, હવામાન વિભાગ પાસે દેશભરમાં 27 રાડાર છે અને આગામી વર્ષોમાં આ સંખ્યા વધીને 50 થઈ જશે. મંત્રીએ એક કલાકથી વધુ સમય દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પ્રવાહનો અભ્યાસ કર્યો હતો. તેમણે એક્સક્લુઝિવ સેટેલાઇટ અને રડાર વિભાગની પણ મુલાકાત લીધી હતી અને રીઅલ-ટાઇમ ધોરણે ડેટા મેળવવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરી હતી. સિંહને દિલ્હીની હવાની ગુણવત્તામાં ભિન્નતા અંગે પણ અપડેટ મળ્યું હતું. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ મંત્રીને જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં વરસાદ જૂન મહિનામાં સામાન્ય કરતા 10 ટકા વધુ હતો. પરંતુ, જુલાઇમાં આજ સુધીમાં 26 ટકા ઓછો વરસાદ પડ્યો છે. દેશમાં ચાર મહિનાની વરસાદ(RAIN)ની સિઝનમાંથી જુલાઈ અને ઑગસ્ટમાં સૌથી વધુ વરસાદ પડે છે.