હૈતીના પ્રમુખની સ્તબ્ધ કરી દેનારી હત્યા અંગે અત્યાર સુધીમાં ૧૭ શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, અને હૈતીના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આમાં બે જણા એવા છે કે જેઓ અમેરિકા અને હૈતીની બેવડી નાગરિકતા ધરાવે છે તથા કોલમ્બિયાની સરકારે જણાવ્યું છે કે ઓછામાં ઓછા છ જણા તેના લશ્કરના ભૂતપૂર્વ સભ્યો છે. હૈતીની નેશનલ પોલીસના વડા લિઓં ચાર્લ્સે જણાવ્યું હતું કે અટકાયતમાં લેવામાં આવેલાઓમાંથી ૧૫ જણા તો કોલમ્બિયાના છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે આઠ વધુ શકમંદોની શોધખોળ ચાલુ છે અને અન્ય ત્રણને પોલીસે મારી નાખ્યા છે. ચાર્લ્સે અગાઉ જણાવ્યું હતું કે સાતને પોલીસે મારી નાખ્યા છે. અમે તેમને ન્યાય સમક્ષ લાવવા જઇ રહ્યા છીએ એમ પોલીસ વડાએ જણાવ્યું હતું જ્યાં પત્રકાર પરિષદમાં હાથકડી પહેરાવેલા ૧૭ જણાને ભોંય પર બેસાડવામાં આવ્યા હતા. કોલમ્બિયાના પ્રમુખે તપાસમાં સહકર આપવા પોતાના લશ્કર અને પોલીસને આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે વહેલી સવારે કેરેબિયન રાષ્ટ્ર હૈતીના પ્રમુખ જોવેનલ મોઇઝની તેમના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી.
