રાજયમાં કોરોનાની બીજી લહેર વખતે માતા પિતાનું અવસાન થતાં 776 જેટલા બાળકો નિરાધાર થયા છે. આ બાળકોને સહાય કરવા જાહેર કરાયેલી મુખ્યમંત્રી બાળ સહાય યોજના અન્વયે 18 વર્ષની વય સુધી સરકાર દર મહિને 4000ની સહાય કરશે તેવી જાહેરત કરાઈ હતી. આજે તેમાં સુધારો કરીને સીએમ વિજય રૂપાણીએ એવી જાહેરત કરી હતી કે હેવ આવા નિરાધાર બાળકોને રાજય સરકાર 21 વર્ષ સુધી સહાય કરશે. રાજયમાં આ યોજનાનો અમલ શરૂ થઈચૂકયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મોકળા મને સંવાદ કરતાં કહ્યું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં આવા અનાથ-નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય આપવામાં આવે છે. હવે, આ વયમર્યાદા
વધારીને ર૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે બાળકની વય ર૧ વર્ષની થાય ત્યાં સુધી તેને રાજ્ય સરકાર દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય આપી આર્થિક આધાર પૂરો પાડશે. રૂપાણીએ સંક્રમણના કાળમાં જેમણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બન્યા છે તેવા બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો. રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આવા ૩પ જેટલા નિરાધાર-અનાથ બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને રૂપાણી સાથે સીધા સંવાદની આ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત તક મળી હતી. બાળકો સાથે તેમના પાલક વાલીઓ પણ જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે રાજયમાં ૭૭૬ જેટલા નિરાધાર બાળકોને બાળક દીઠ રૂ. ૪,૦૦૦ની સહાય અન્વયે હજુ બે દિવસ પહેલાં જ કુલ ૩૧.૦૪ લાખની સહાય ડી.બી.ટી. થી બેંક ખાતામાં આપવામાં પણ આવેલી છે. ર૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ર૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ પણ આપવામાં આવશે. એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણાશે. રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતા આપવાનો નિર્ણય કરાયો છે.
ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવા માટે શરૂ કરાયેલી ”મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના” અંતર્ગત પણ અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે આવરી લેવામાં આવ્યા છે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪ વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત આપવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણમાં પણ નિરાધાર બાળકોને તજજ્ઞતા મળશે. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય/નિવાસી શાળાઓમાં અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ષ તેમજ લઘુમતી સમાજની કન્યાઓને, અનુસૂચિત જનજાતિ, પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જે દિકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને નિવાસી શાળાઓમાં શિક્ષણ માટે પ્રવેશમાં અગ્રતા આપીને હોસ્ટેલ ખર્ચ પણ સરકાર આપશે અને આવી નિરાધાર દિકરીઓને શિક્ષણ મેળવવાની વંચિત રહેવાનો વારો નહિં આવે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિ કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાંકીય સહાય આપવામાં આવે છે. નિરાધાર કન્યાઓનો પણ લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂં યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.