મુંબઈની મ્યુનિસિપલ સંસ્થાએ શુક્રવારથી શરૂ થતા ગણપતિ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે અને જાહેર પંડાલોમાં ભક્તો માટે રૂબરૂ દર્શન તેમજ ઉજવણી દરમિયાન સરઘસમાં ભાગ લેનારાઓની સંખ્યા પર પ્રતિબંધ લાદ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને (બીએમસી) મંગલવારે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર, ગણપતિની મૂર્તિ લાવવા માટે અને તેમના વિસર્જન દરમિયાન જાહેર મંડળોના સરઘસોમાં 10થી વધુ લોકો નહીં હોય અને ગૌરીગણેશ ગણેશની સ્થાપના માટે પાંચથી વધુ લોકોને મંજૂરી નહીં મળે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભક્તોએ માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ. આ ઉપરાંત, મંડળના સરઘસોમાં સામેલ થનાર 10 સહભાગીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ અને બીજો ડોઝ લીધાના 15 દિવસ પૂર્ણ થયેલા હોવા જોઈએ. કોરોનાના નવા કેસોમાં વધારો થવાના અને ત્રીજી લહેરના ડરના પગલે બીએમસીએ જાહેર ગણપતિ પંડાલોમાં ભક્તો માટે રૂબરૂ દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે અને નાગરિકોને તહેવાર સાદગી સાથે ઉજવવા અપીલ કરી છે. બીએમસીએ જણાવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેરના સંભવિત ભયને ધ્યાનમાં રાખીને ભક્તોને દર્શન કરવાની સખત મનાઈ છે.
એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ગણેશોત્સવ મંડળોએ કેબલ નેટવર્ક, વેબસાઈટ, ફેસબુક અથવા (અન્ય) સોશિયલ મીડિયા દ્વારા ભક્તોને દર્શનની સુવિધા પૂરી પાડવી જોઈએ. કોરોનાના કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા મંડળોએ પંડાલ પરિસરમાં ગણપતિ મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા કરવી પડશે અથવા તેને મુલતવી રાખવું પડશે. એ જ પ્રમાણે, સીલબંધ ઇમારતોમાં ભક્તોએ ઘરે જ ગૌરીગણેશના વિસર્જનની વ્યવસ્થા કરવી પડશે. બીએમસીએ પહેલેથી જ ગૌરીગણેશની મુર્તિ માટેની ઉંચાઇ બે ફૂટ અને જાહેર મંડળો માટે ચાર ફૂટ સુધી મર્યાદિત કરી દીધી છે.