રાજ્યની સરકારી હોસ્પિટલોની નર્સના એલાઉન્સમાં વધારો જાહેર

રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો‌ એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ ૧ લી જુલાઇ ૨૦૨૧ થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ ૧૫૦૦૦ થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે રાજ્યના આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સોની ભરતી કરવાની મંજૂરી આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવાઇ છે. જેની પરીક્ષા આગામી ૨૦ મી જુન, ૨૦૨૧ ના રોજ જી.ટી.યુ. દ્વારા લેવાનાર છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી સત્વરે આદેશો કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે યુનાઇટેડ નર્સિંગ ફોરમની માંગણીઓ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ફોરમના પ્રમુખ દિપકમલ વ્યાસ, સલાહકાર જ્યોત્સનાબેન ચૌધરી, વિક્રમ પટેલ તથા આરતી પરમાર સહિતના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં ફોરમનાં પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઇ હતી. યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા બઢતી-બદલી સહિતના અન્ય પ્રશ્નો અંગે પણ રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ થકી સત્વરે નિર્ણય લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત નર્સિંગ એસોસિએશન લાંબા સમયથી તેમની પડતર માંગણીઓ માટે લડત ચલાવી રહ્યું હતું. કોરોનાકાળમાં ગુજરાતની નર્સોએ કોઇપણ જાતની માગ વગર સતત 24 કલાક સુધી સેવાઓ આપી હતી. આ અગાઉ તેમણે તેમની માગને લઇને સરકારને વારંવાર રજૂઆત પણ કરી હતી ત્યાર બાદ નર્સિંગ એસોસિએશને જુદા જુદા પ્રદર્શન કાર્યક્રમ પણ આપ્યા હતા. એક બે વખત તો તેમના દ્વારા ટોકન સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી જો કે, ત્યારબાદ પણ તેમની માંગ નહીં સંતોષાતા તેમણે હડતાળની ચીમકી આપતા સરકાર સફાળી જાગી છે અને તેમની માગ પૈકી કેટલીક સ્વીકારી છે જો કે, સરકારની આ જાહેરાતથી નર્સિંગ એસોશિએશન સંતુષ્ઠ છે કે કેમ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *