વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૨૦ કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો, ત્રિશુળિયા ઘાટ ઉપર બનાવાયેલા વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નીતિન પટેલે વધુમાં શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. અંબાજી ખાતે નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળું અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો.
જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદથી અંબાજી, ડિસા-પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખૂબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકાસવવું એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ધાર્મિક સ્થળ યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર-નવાર અકસ્માતો થતાં હતાં આ રસ્તાને ચારમાર્ગીય બનાવવાથી અકસ્માતોને નિવારી શકાશે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થશે.
ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધા બનાવાઇ છે. આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે.