મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં આવતીકાલે તા.3જી ઓગસ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” સૂત્ર અન્વયે યોજાનારા અન્ન વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી રાજ્યની ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ પ કિલો અનાજની કિટનું વિતરણ કરશે. તે ઉપરાંત દાહોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. જ્યારે પ્રધાનમંત્રી મોદી પાંચ જિલ્લાઓના પાંચ વ્યાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત ૭૨ લાખ પરિવારોને (૩.૫ કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત ૮.૫૦ લાખ લોકો સહભાગી થશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ( NFSA) હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને તેમની પાત્રતા મુજબ અન્ન સલામતિ માટે રાહત દરે ઘઉં અને ચોખાનું દર માસે વિતરણ કરવામાં આવે છે.
માર્ચ–૨૦૨૧ની સ્થિતિએ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી કુલ- ૭૧.૪૪ લાખ કુટુંબોની ૩૪૬.૯૦ લાખ નાગરિકોને NFSA હેઠળ આવરી લેવાયા છે કોરોનાનાં કપરાકાળમાં લોકડાઉન દરમિયાન રાજ્યનાં ૮૦ ટકા નાગરિકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન ”રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા” (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ ૬૫.૪૦ લાખ કુટુંબોની ૩.૨૧ કરોડ જનસંખ્યા તથા N.F.S.A. હેઠળ સમાવેશ થઇ શક્યો ન હતા તેવા ૩.૪૦ લાખ BPL કુટુંબોની ૧૪.૯૨ લાખ જનસંખ્યાને N.F.S.A. હેઠળ સમાવી કુલ ૬૮.૮૦ લાખ કુટુંબોની ૩.૩૬ કરોડ જનસંખ્યાને એપ્રિલથી જુન માસ દરમ્યાન ઘઉં, ચોખા, ચણા દાળ, ખાંડ તથા મીઠાના “ફૂડ બાસ્કેટ”નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. એટલુ જ નહિ, લોકડાઉનના કપરા સમયમાં N.F.S.A. હેઠળ સમાવેશ થઇ શક્યો નથી તેવા ૬૧.૦૪ લાખ APL-1 કેટેગરીના મધ્યમવર્ગીય પરીવારોની ૨.૫૦ કરોડ જનસંખ્યાને સૌ પ્રથમવાર પ્રતિ કુટુંબ માસિક ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રા. ચણાદાળ તથા ૧ કિ.ગ્રા. ખાંડના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તે સમયે રાજ્યના રેશનકાર્ડ વગરના, નિરાધાર, જરૂરિયાતમંદ લોકો, સંકટગ્રસ્ત, પરપ્રાંતિય મજુરોને રાજ્યની “અન્નબ્રહ્મ” યોજના હેઠળ સમાવેશ કરીને તથા યોજનાનો વ્યાપ વધારીને ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ તથા મીઠાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા 2000 કરોડની બજાર કિંમતનું અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત કોરોના મહામારીની પરિસ્થિતિમાં રાજ્યના ૬૮.૮૦ લાખ NFSA કાર્ડ ધારકો તથા ૬.૩૮ લાખ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને રૂ.૧ હજારની નાણાંકીય સહાય મળી કુલ રૂ.૬૫૦ કરોડનાં ખર્ચે DBT દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ રાજ્યના N.F.S.A. સમાવિષ્ટ ૬૮.૮૦ લાખ કુટુંબોની ૩.૩૬ કરોડ જનસંખ્યાને એપ્રિલથી નવેમ્બર -૨૦૨૦ સુધી સતત ૮ માસ દરમ્યાન તેઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત પ્રતિ વ્યક્તિ ૩.૫ કિ.ગ્રા. ઘઉં અને ૧.૫ કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા અનાજ તથા પ્રતિ કુટુંબ ૧ કિ.ગ્રા ચણાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિર્ણાયક સરકાર દ્વારા રાજ્યમાં “અન્ન સલામતિ કાયદા” હેઠળ સમાવેશ કરાયેલ તમામ ૭૧ લાખ રેશન કાર્ડ ધારકોને વર્ષમાં બે વાર કુટુંબ દીઠ ૧ લીટર કપાસીયા તેલ રાહત દરે વિતરણ માટે રૂ. ૩૭.૩૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.