ત્રણ મહિલા જજો સહિત નવ નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક આજે કરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સપ્ટેમ્બર ૨૦૨૭માં બનવા માટેની હરોળમાં છે. રાષ્ટ્રપતિ કોવિંદે દેશની સર્વોચ્ચ અદાલતના આ નવા ન્યાયાધીશોના નિમણૂક પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં મહત્તમ ૩૪ ન્યાયાધીશોની નિમણૂકની જોગવાઇ છે અને તે રીતે જોતા હજી ત્યાં દસ જજોની જગ્યા ખાલી હતી, હવે આ નવા જજો આગામી દિવસોમાં શપથ લઇ લે તે પછી ફક્ત એક જ જગ્યા ખાલી રહેશે. આ નવા જજોની નિમણૂકો અંગે કાયદા મંત્રાલય દ્વારા જુદા વિધિવત જાહેરનામાઓ આજે બપોરે જારી કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત, સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતમાં ત્રણ મહિલા જજોની નિમણૂકની ભલામણ કરી હતી. જસ્ટિગ નાગરત્ના ઉપરાંત જેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થઇ છે તે અન્ય બે મહિલા જજો જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ બેલા ત્રિવેદી છે. જસ્ટિસ કોહલી હાલમાં તેલંગાણા હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ હતા અને જસ્ટિસ ત્રિવેદી ગુજરાત હાઇકોર્ટના પાંચમા ક્રમના વરિષ્ઠતમ જજ હતા. આમાંથી જસ્ટિસ કોહલી ૬૨ વર્ષની વય થવા સાથે પહેલી સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના હતા. તેઓ હવે સુપ્રીમ કોર્ટમાં ત્રણ વર્ષ રહી શકશે. હાઇકોર્ટના જજો ૬૨ વર્ષની વયે નિવૃત્ત થાય છે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજોની નિવૃત્તિ વય ૬પ વર્ષની છે. ૩૦ ઓકટોબર, ૧૯૬૨ના રોજ જન્મેલા જસ્ટિસ નાગરત્ના દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઇ.એસ. વેંકટરામૈયાહના પુત્રી છે. તેઓ કર્ણાટક હાઇકોર્ટમાં હતા. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ ૨૯ ઓકટોબર, ૨૦૨૭ સુધીનો રહેશે અને તેઓ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૭ પછી એક મહિના માટે દેશના પ્રથમ મહિલા વડા ન્યાયમૂર્તિ બની શકશે.
