કોલકાતામાં મિથુન ચક્રવર્તી સામે હિંસા ભડકાવવાનો આરોપ

કોલકાતા પોલીસે તેમના ભાષણો દ્વારા પશ્ચિમ બંગાળમાં મતદાન પછીની હિંસા ભડકાવવાનો આરોપ લગાવતી ફરિયાદના સંદર્ભે બુધવારે અભિનેતાથી ભાજપના નેતા બનેલા મિથુન ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.
ઉત્તર કોલકાતાના મણિકટલા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઓનલાઇન પૂછપરછ શરૂ કરી હતી, તેઓ સવારે 10.20 વાગ્યે પુણેમાં હતા. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અભિનેતાએ 7 માર્ચે ભાજપમાં જોડાયા બાદ અહીની એક રેલીમાં ‘મારબો એકહને લશ પોરબે શોશાને’ (મારીશ અહી અને લાશ પડશે સ્મશાને) અને ‘એક છોબોલે ચાબી’ (સાપના એક દંશથી તમે તસવીરમાં કેદ થઈ જશો, અર્થ તમને મારી નાખીશ) જેવા ડાયલોગનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, આ ડાયલોગથી રાજ્યમાં મતદાન પછી હિંસા ભડકી ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પશ્વિમ બંગાળની ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા જીતવા માટે એડી ચોટીનું જોર લગાડી દીધું હતું. તૃણમુલ કોંગ્રેસમાંથી અનેક નેતાઓને તોડી પાડ્યા હતા. તેમ છતાં સંપૂર્ણ બહુમતિ મેળવવામાં ટીએમસીને સફળતા મળી હતી. ચૂંટણી દરમિયાન મિથુન ચક્રવર્તીએ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. પશ્વિમ બંગાળમાં મિથુન ચક્રવર્તીનો મોટો ચાહક વર્ગ છે. ભાજપને એવુ લાગતું હતું કે તેના કારણે પક્ષના ઉમેદવારોને મોટો ફાયદો થશે પરંતુ તેમ થઇ શક્યું ન હતું. હવે જ્યારે તૃણમુલ કોંગ્રેસ સત્તામાં આવી ગઇ છે ત્યારે તે પણ તેમની સામે પડનારાઓને વણી વણીને બદલો લઇ રહી છે. જો કે, કેટલાંક પ્રબુદ્ધ નાગરિકો આ પ્રકારની હરકતને વખોડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *