રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. ૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારી અથાગ પરિશ્રમ કર્યો છે. ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ, તેવું કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ ૧૪૦૦ ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે. ગુજરાતના ખેડૂતમાં તાકાત રહેલી છે. તેને પાણી, બિયારણ અને વીજળી મળે તો સોનુ પકાવવા જેવી ખેડૂતમાં ક્ષમતા છે.
અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી માટે હિજરત કરવી પડતી હતી, ત્યારે ખેતીમાં નર્મદાનું સિંચાઈનું પાણી અપાશે. એવી કોઈને કલ્પના ન હતી. અમે છેક કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવ્યું છે. કચ્છમાં સોનાનો સૂરજ ઊગવાનો છે. કચ્છમાં પશુપાલન અને ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય એટલે કે તેની કૃષિ પેદાશોની દેશ અને વિદેશ માંગ વધે તેવો વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે. છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે કનેક્શન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના ૧૨૦ સ્થળોએ કૃષિ સન્માન દિવસના કાર્યક્રમોમાં ૪૩ કરોડથી વધુ રકમના કૃષિલક્ષી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૪૦૦થી વધુ ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો કચ્છ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
અમદાવાદના દેત્રોજ સ્થિત ‘કિસાન સન્માન દિવસ’ કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સુર્યોદય યોજનાના અસરકારક અમલીકરણથી ખેડૂતને ‘નિરાંતની નીંદર’ મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ ગુરૂવારે દેત્રોજ તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ છે. આ યોજના દેત્રોજ તાલુકાને જ નહીં રાજ્યના તમામ ખેડૂતો, જગતના તાતની સુખાકારીમાં વધારો કરશે, તેવો ભાવ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વ્યક્ત કર્યો હતો.