ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સોમવારે અહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા, રાજ્યમાં કથિત કોલસા કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ કહ્યુ હતું. 33 વર્ષીય સાંસદ મધ્ય દિલ્હીમાં જામ નગરમાં આવેલી ઈડીની કચેરીમાં સવારે 11 વાગે હાજર થયા હતા. તેમણે કહ્યું હતું, ‘હું તપાસનો સામનો કરવા તૈયાર છું, સંસ્થાના અધિકારીઓ પોતાનું કાર્ય કરી રહ્યા છે અને હું તેમની સાથે સહકાર કરીશ.’ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરીંગ એક્ટની (પીએમએલએ) જોગવાઈઓ હેઠળ તપાસ અધિકારી નિવેદન નોંધશે, એમ અધિકારીઓએ કહ્યુ હતું.અભિષેક બેનર્જી લોકસભામાં ડાયમંડ હાર્બર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ તૃણમુલ કોંગ્રેસના (ટીએમસી) રાષ્ટ્રીય મહાસચિવ છે. રાજ્યમાં આસનસોલમાં અને તેની પાસે કુનુસ્ટોરીયા અને કજોરા વિસ્તારોમાં ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ.થી સંબંધિત કરોડો રૂપિયાના કોલસા કૌભાંડનો આરોપ લગાવતા સીબીઆઈએ નવેમ્બર, 2020ના રોજ એક એફઆઈઆર દાખલ કરી હતી, જેનો અભ્યાસ કર્યા બાદ ઈડીએ પીએમએલએ હેઠળ એક કેસ દાખલ કર્યો હતો.
રવિવારે કોલકતા એરપોર્ટ પર સાંસદે પત્રકારો સાથે વાત કરતા કહ્યુ હતું જો કોઈ કેન્દ્રીય સંસ્થા કોઈ પણ ગેરકાયદે વ્યવહારમાં તેમની સંડોવણી સાબિત કરશે તો તેઓ ફાસી ખાઈ લેશે.આ કેસમાં સ્થાનિક કોલસા વેપારી અનુપ માઝી ઉર્ફ લાલા પ્રમુખ શકમંદ છે. ઈડીનો દાવો છે કે આ ગેરકાયદે વેપારથી મળેલા ભંડોળમાં અભિષેક બેનર્જીને પણ ભાગ મળ્યો હતો. તેમનાં પત્ની રૂજિરાને પણ આ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા પણ તેઓ હાજર રહ્યા ન હતા.