સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે દેશના 18 રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ-લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરવાથી કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે 16 રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જે ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાના, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં કેસ દિવસે-દિવસે ઘટી રહ્યાં છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પંજાબ, આસામ, જમ્મુ અને કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુદ્દુચેરી, મણિપુર, મેધાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં પ્રત્યેક દિવસે કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 13 રાજ્ય એવા છે, જ્યાં 1 લાખથી પણ વધુ સંક્રિય કેસ છે. 6 રાજ્યોમાં 50,000થી 1 લાખની વચ્ચે સક્રિય કેસની સંખ્યા છે. 17 રાજ્ય એવા છે, જ્યાં 50,000થી ઓછા સક્રિય કેસ છે.
