ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 38,628 કેસ નોંધાયા

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,18,95,385 થઈ ગઈ છે. જ્યારે, કોરોનાના કારણે વધુ 617 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,27,371 પર પહોંચી ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય શનિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. મંત્રાલયના સવારે 8 વાગ્યે અપડેટ થયેલા આંકડા દર્શાવે છે કે, દેશમાં સક્રિય કેસો ઘટીને 4,12,153 થઈ ગયા છે. જે કુલ કેસનો 1.29 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.37 ટકા નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 2,006 કેસોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, શુક્રવારે કોરોનાની તપાસ માટે 17,50,081 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની કુલ સંખ્યા વધીને 47,83,16,964 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડામાં જણાવાયું છે કે, દૈનિક સંક્રમણ દર 2.21 ટકા નોંધાયો હતો. જે છેલ્લા 12 દિવસથી 3 ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.39 ટકા નોંધાયો હતો. ડેટામાં જણાવાયું છે કે, આ દરમિયાન કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,10,55,861 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી રસીના કુલ 50.10 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં મૃત્યુ પામેલા 617 લોકોમાં મહારાષ્ટ્ર અને કેરળનાં 187-187 લોકોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *