કોરોનાની બીજી લહેર દુનિયામાં હાહાકાર મચાવી રહી છે ત્યારે કોરોના વાયરસનુ જન્મ સ્થાન ગણાતા ચીન દ્વારા કોરોનાને લઈને છુપાવાયેલી વાતો પણ બહાર આવી રહી છે. ગયા વર્ષે ચીનના વુહાનમાં સૌથી પહેલા કોરોનાએ દેખા દીધી હતી.હવે એ વાતનો ખુલાસો પણ થયો છે કે, દુનિયામાં કોરોનાના સંક્રમણનો ભોગ બનનાર સૌથી પહેલો દર્દી વુહાન શહેરની 61 વર્ષની મહિલા હતી.જેને પેશન્ટ સુ નામ આપવામાં આવ્યુ હતુ.
ચીન માટે ડેટા એકત્રિત કરનારા એક વૈજ્ઞાનિકે ચાઈનિઝ મેડિકલ જર્નલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ પોલ ખોલી હતી.વુહાન યુનિવર્સિટીના પ્રોફેસર યૂ છુઆનહુઆએ કહ્યુ હતુ કે, ફેબ્રુઆરી 2020 સુધીમાં 47000 લોકોના ડેટા એકત્રિત કરાયા હતા પણ આ પૈકી એક દર્દી એવી હતી જે સપ્ટેમ્બર 2019માં બિમાર પડી હતી અને તેનો ટેસ્ટ થયો નહોતો.જેના કારણે તેનું મોત થયું હતું. આ મહિલાની સારવાર વુહાનની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી.આ વિસ્તાર હુઆનન માર્કેટથી નજીક છે.આ જ માર્કેટમાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનુ કહેવાયુ હતુ.વૈજ્ઞાનિકના ઈન્ટરવ્યૂ બાદ એવી પણ વિગતો સામે આવી છે કે, મહિલાનુ ઘર હાઈ સ્પીડ રેલવે લાઈન સ્ટોપ પાસે હતુ અને તેના કારણે 1.1 કરોડની વસતી ધરાવતા વુહાન શહેરમાં કોરોના ઝડપથી ફેલાયો હતો.આ મહિલાના ઘરથી વુહાનની જે લેબ પર કોરોના વાયરસ બનાવવાની શંકા થઈ રહી છે તે પણ એક માઈલ જ દુર છે.