મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફી આપવા માટે મુખ્યમંત્રીને કોંગ્રેસ દ્વારા પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં મેડીકલ કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે. તે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે તેવી પણ માગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે મંદી અને મોંઘવારી માઝા મુકી રહી છે, તેવા સમયે રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોમાં આ વર્ષે ફીમાં 29 હજારથી 83 હજારનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ફી વધારાના કારણે સામાન્ય અને મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે. ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે રાજ્યની ભાજપ સરકાર વારંવાર વિદ્યાર્થીઓ અને વાલીઓના હીતની વાત કરે છે, પરંતુ વાસ્તવમાં ખાનગી કોલેજમાં ફી વધારો કરીને સંચાલકોની વકીલાત અને તેઓની તરફેણ કરી રહી છે. સમગ્ર વર્ષ દરમિયાન કોલેજ કેમ્પસમાં એકપણ દિવસનું શિક્ષણ કાર્ય થયું નથી, તેમ છતાં કોલેજ સત્તાવાળાઓ ફીની ઉઘરાણી કરી રહ્યા છે. વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાવ્યું છે, ૧૪ મહિના જેટલા સમયથી સમગ્ર શિક્ષણ કાર્ય બંધ છે, તેમ છતાં આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવ્યોનથી. બીજી બાજુ, સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક કાર્ય શરૂ થયુ ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે તાકીદે રાજ્યના પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે એક સત્ર ફી માફી માટે નિર્ણય કરવા વિનંતી છે. જેથી સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓને રાહત થાય.
