જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ માટે 500 કરોડની રાહત-સહાયની જાહેરાત

કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગકારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધુ ઉદ્યોગોને મળશે. રૂપાણીએ GIDC ના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, ઊદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા તેમજ GIDCના મેનેજિંગ ડિરેક્ટર એમ. થેન્નારસન સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકના અનુસંધાને ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ અગાઉ કોરોનાની પ્રથમ લહેર પછી રાજ્યના ઊદ્યોગ-વેપાર જગતને પૂન: વેગવંતા બનાવી આર્થિક પરિસ્થિતિને બળ આપવા મુખ્યમંત્રી રૂ. 14,000 કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું આ પેકેજ અન્વયે GIDC દ્વારા 14 યોજનાઓ હેઠળ 31,166 ઊદ્યોગકારોને 407.72 કરોડના લાભ મળ્યા છે. જીઆઈડીસી દ્વારા કરવામાં આવેલા નિર્ણય ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા એટલે કે મોરેટોરિયમ પીરિયડ વધુ 1 વર્ષ વણવપરાશી દંડની રકમ લીધા વગર વધારી આપવામાં આવશે.

તદઅનુસાર, જે ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા 2021-22માં પૂર્ણ થતી હોય તેને વધુ વર્ષ વણવપરાશી દંડ વસુલ કર્યા સિવાય સમય મર્યાદા વધારી અપાશે. આ નિર્ણયને પરિણામે ઊદ્યોગકારોને મિલકતનો વપરાશ કરવા માટે વધુ સમય મળી રહેશે અને દર વર્ષે વિતરણ કિંમતના 2 ટકા પ્રમાણે વણવપરાશી દંડની અંદાજે કુલ 16.70 કરોડની રકમ ભરવાથી છૂટછાટ મળશે. આ યોજનાનો અંદાજે 672 લાભાર્થીઓને લાભ મળવા પાત્ર થશે. એટલું જ નહીં, ઔદ્યોગિક વસાહતોના જે ફાળવણીદારો અગાઉની નિતી અંતર્ગત વપરાશની સમય મર્યાદા વધારાનો લાભ મેળવી શક્યા નથી તથા જેમને માર્ચ-2022 સુધી લાભ આપવામાં આવ્યો છે તેવા તમામ ફાળવણીદારોને માર્ચ 2023 સુધી વપરાશ સમયમર્યાદા વધારી આપવામાં આવશે. વધારેલ સમય મર્યાદામાં વપરાશ શરૂ કરવામાં આવશે તો આ નિતી અન્વયે અંદાજે 350 કરોડની રાહતનો આવા 1656 ઊદ્યોગકારોને લાભ મળશે. GIDCના મેનેજિંગ ડિરેક્ટર એમ થેન્નારસને કહ્યું હતું કે વિવિધ ઔદ્યોગિક વસાહત મંડળોએ મુખ્યમંત્રી સમક્ષ ફાળવણીદારો માટે નિયત કરાયેલો ભાવ વધારો આ વર્ષ માટે મોફૂફ રાખવાની રજૂઆતો કરી હતી.

આ રજૂઆતોના પગલે GIDCની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોના જમીન તથા બહુમાળી શેડોના ફાળવણીદારોને કોવીડ-૧૯ ની મહામારી તથા તે દરમ્યાન થયેલ લોકડાઉનની ઉદ્યોગો પર થઈ રહેલ વિપરીત્ત અસરોને પરિણામે આર્થિક બોજો ન પડે તે હેતુસર નિગમની વસાહતો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧–૨૨ માટે નિયત કરેલ ભાવ વધારો આ વર્ષ માટે મોકુફ રાખીને ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧ના ફાળવણી દર નકકી કરવામાં આવ્યા છે. અંદાજીત રૂ. ૨૬ કરોડની રાહત આ નિર્ણયને પરિણાને ઊદ્યોગકારોને મળશે. તદઉપરાંત વધુ માંગ ધરાવતી સાયખા, સાયખા વુમન્સ પાર્ક, સાયખા એમ.એસ.એમ.ઈ. પાર્ક, દહેજ, હાલોલ અને હાલોલ (વિસ્તરણ) વસાહતનો વર્ષ ૨૦૨૧–૨૨ માટે નકકી કરેલ ભાવ વધારો યથાવત રાખવામાં આવ્યો છે. GIDC દ્વારા નવા કરવાના થતા બાંધકામ વિસ્તારના નકશા મંજુર કરતી વખતે સર્વિસ અને એમિનિટિઝ ફી પેટે પ્રતિ ચો. મી. રૂપિયા ૫૦ વસૂલ કરવામાં આવે છે. આ ૨કમને સંબંધિત વસાહતના કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ હેઠળના કામો માટે મહત્તમ રૂ. ૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦ % રકમ તથા નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર ખાસ જરૂરીયાતવાળા (Mandatory) કામો, ઊદ્યોગકારોની મિલ્કતોની માપણી, સર્વે, સ્થળ નિરીક્ષણ રિપોર્ટ, જરૂરીયાત મુજબ વસાહતની આંતરમાળખાકીય સુવિધા, પર્યાવરણ માટેના અભ્યાસ વગેરેની કામગીરી માટે રૂા.૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦% ૨કમ વપરાશ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ અંતર્ગત ૧૩૮ વસાહતોને આશરે રૂ. ૭૧.૩૦ કરોડનો લાભ મળવા પાત્ર થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *