સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજયુકેશન તરફથી આજે શુક્રવારે દરેક રિજિયન મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે ધોરણ-12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરાયાં છે. સીબીએસઇએ આજે સત્તાવાર રીતે ધોરણ-12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામો વેબસાઇટ ઉપર જાહેર કરી દીધા હતાં. આ પરિણામોમાં સેન્ટ્રલ બોર્ડે અગાઉથી આપેલી માસ પ્રમોશન મેથડ એટલે કે આંતરિક મૂલ્યાંકન આધારે માર્કસ ગણવામાં આવ્યાં હતા. સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓમાં ફોર્મ ભરનારા તમામ ઉમેદવારો ગુજરાત બોર્ડની જેમ પાસ થયા છે. આ પરીક્ષામાં સુરત શહેરની આશરે 64 સ્કૂલ્સના પરિણામો આવ્યા છે. આ સ્કૂલ્સમાં ધોરણ-11 અને ધોરણ-12ની અલગ અલગ ફેકલ્ટી જેમ કે સાયન્સ કોમર્સ અને આર્ટસના ઉમેદવારો નોંધાયા હતાં. આ ત્રણેય શાખાના આશરે 4821 ઉમેદવારો પાસ થયાં છે. જોકે આ વખતે બોર્ડે પરીક્ષા લઇ પરિણામો જાહેર ન કયા હોવાથી વાલી – વિદ્યાર્થીઓ અને સ્કૂલ્સમાં પણ કોઇ ઉત્કંઠા જોવા મળી નહોતી. સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્કૂલ્સના હાયર સેકન્ડરીના પરિણામો જાહેર થયા બાદ અચાનક છ જેટલી સ્કૂલ્સના પરિણામો વેબસાઇટ ઉપર જોવા મળ્યા ન હતાં. જેને પગલે આ શાળાના સંચાલકો તેમજ વાલીઓ ગભરાયા હતાં. જેમાં પાછળથી જાણવા મળ્યું હતું કે આ સ્કુલ્સ તરફથી પરિણામો તૈયાર કરી બોર્ડર્ને મોકલવામાં ભારે ભૂલો કરાઇ હતી જેને પગલે વિલંબ થયો હોવાથી આ પરિણામ અટકાવી દેવાયા છે. આશરે આ સ્કૂલના 580 વિદ્યાર્થીઓ છે. જેમના હવે આગામી પાંચમી ઓગષ્ટના રોજ આ સ્કૂલ્સના પરિણામો જાહેર થશે. શહેરના વેસુ વિસ્તારની એસ.ડી.જૈન સ્કૂલ્સના સંચાલકોએ કહ્યું હતું કે આ વર્ષે કોરોનાને લીધે પરીક્ષા પડતી મૂકાઇ હતી. અને આ પરીક્ષા માટે પરિણામ તૈયાર કરવા સ્કુલ્સને મેથડ મોકલી દેવાઇ હતી. બોર્ડે મોકેલેલ મેથડ વોટસએપ સહિત સોશ્યલ મિડિયામાં પણ ધૂમ મચાવી ગઇ હતી. વળી ધોરણ-12ના પરિણામોમાં આંતરિક ગુણ કેવી રીતે અને કેટલા ગણતરીમાં લેવા તે ઉદાહરણ સહિત વિગતો આપવામાં આવી હતી જેને પગલે સેકડો કેન્ડીડેટસ જૂના એટલે કે ગયા વર્ષના પરિણામના આધારે પોતાના માર્કસ એડવાન્સ્ડમાં ગણી લીધા હતા. જેને પગલે શાળાઓમાં પણ શુષ્ક માહોલ જોવા મળયો હતો. ડીપીએસ સ્કૂલના 165, એસ.ડી.જૈન સ્કૂલના 135 સ્વામીનારાયણ એકેડેમી અડાજણના 73 વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે.
