વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાન બિન-રહીશ નાગરિકોને બનાવટી દસ્તાવેજોના આધારે ૨.૭૮ લાખ કરતા વધુ લાયસન્સો જારી કરવાના કેસ સંદર્ભમાં સીબીઆઇએ આજે જમ્મુ અને કાશ્મીર તથા રાષ્ટ્રીય રાજધાનીમાં ૪૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા.આ શોધખોળ ઓપરેશનો જમ્મુ, શ્રીનગર, ઉધમપુર, રાજૌરી, અનંતનાગ તથા દિલ્હીમાં આઇએએસ અધિકારીઓ સહિતના જાહેર સેવકોની કચેરીઓ અને રહેણાક પરિસરોમાં હાથ ધરવામાં આવ્યા હતા. શસ્ત્ર લાયસન્સ કૌભાંડને લગતા કેસમાં ચાલતી તપાસ સંદર્ભમાં ૨૦ ગન હાઉસો તથા અન્ય સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હતા એમ સીબીઆઇના એક પ્રવકતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બે આઇએએસ અધિકારીઓ – શાહીદ ઇકબાલ ચૌધરી, જેઓ જમ્મુ અને કાશ્મીરમાં આદિવાસી બાબતોના સચિવ તરીકે નિયુક્ત છે તથા નીરજ કુમાર, જેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં સંઘપ્રદેશના એડિશનલ રેસિડેન્શ્યલ કમિશ્નર છે – તેમના પરિસરો પર શોધખોળ હાથ ધરવામાં આવી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ઉપરાંત કાશ્મીર વહીવટી સેવાના એક નિવૃત અધિકારી, તથા છ એડિશનલ ડીએમ્સના પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇએ શસ્ત્રોના લાયસન્સો આપવાની બાબતમાં કથિત ગેરરીતિ બાબતે ૧૬ ઓકટોબર, ૨૦૧૮ના રોજ બે જુદી જુદી એફઆઇઆર દાખલ કરી હતી. તપાસ અને દસ્તાવેજોની ચકાસણી દરમ્યાન કેટલાક ગન ડીલરોની સરકારી અધિકારીઓ સાથેની સાંઠગાંઠ જણાઇ આવી હતી એ મુજબ સીબીઆઇના પ્રવકતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન એટીએસ દ્વારા વર્ષ ૨૦૧૭માં આ કૌભાંડ ખુલ્લું પાડવામાં આવ્યું હતું તથા પ૦ કરતા વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.