આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાની કિંમતનું આશરે 40 કિલો હેરોઈન શનિવારે વહેલી સવારે અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાંજરાયણ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. પંજાબ પોલીસ અને બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા સંયુક્ત ઑપરેશન દરમિયાન હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. અમૃતસર (ગ્રામીણ)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત સ્મગલર અને અમૃતસરના ખારીંડાનો રહેવાસી નિર્મલ સિંહ આંતરરાષ્ટ્રીય બૉર્ડર (આઇબી) પર પાકિસ્તાનથી આવતા હેરોઈનની ડિલિવરી લેશે. પોલીસે જણાવ્યું કે, આ માહિતી બીએસએફ સાથે શેર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 40.810 કિલો વજનના 39 પેકેટ હેરોઇનની જપ્તી સાથે તેઓએ પાકિસ્તાન સ્થિત દાણચોરો દ્વારા ડ્રગની દાણચોરીની મોટી બિડ નિષ્ફળ કરી હતી.
પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પંજાબ પોલીસ અને બીએસએફની સંયુક્ત ટીમોએ સફળતાપૂર્વક હેરોઈન જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, 180 ગ્રામ અફીણ અને બે પ્લાસ્ટિક પાઈપો પણ મળી આવી હતી. જે પાકિસ્તાનમાં બનાવવામાં આવી હતા. એસએસપી ખુરાનાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 1 કિલો હેરોઈનની જપ્તીના કેસમાં તરન તારન પોલીસ દ્વારા વોન્ટેડ નિર્મલ સિંહની ધરપકડ કરવા માટે પોલીસે મોટા પાયે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.