પશ્વિમ બંગાળમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે એક મોટી ઘટના બનવા પામી છે. અહીં એક ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઘરે બોમ્બ ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. પશ્વિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના ઘરની બહાર બુધવારે સવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે આ ઘટનાની ટ્વિટ દ્વારા માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, પશ્વિમ બંગાળમાં ગંભીર પ્રકારની હિંસક ઘટનાઓ ઘટવાનું નામ નથી લેતી. આજે સવારે જ સાંસદના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ થયો તે ચિંતાનો વિષય છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે. હું આમ મામલામાં તાત્કાલિક કાર્યવાહી થાય તેવી અપેક્ષા કરૂ છું.જ્યાં સુધી અર્જુનસિંગની સુરક્ષાનો સવાલ છે આ મામલો હું પહેલા પણ ઉઠાવી ચૂક્યો છું. મળતી માહિતી પ્રમાણે જ્યારે સાંસદના મકાન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ ઘરે હાજર નહીં હતાં. અર્જુનસિંગ ભાજપના સાંસદની સાથે સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે. જો કે આ ઘટના બની ત્યારે તેમના પરિવારજનો ઘરે હાજર હતાં. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ઘરે લગાડેલા સીસીટીવીનો અભ્યાસ શરૂ કર્યો છે જેથી બોમ્બ ફેંકનારાની જાણકારી મળી શકે. તો બીજી તરફ આ મામલે અર્જુનસિંગનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમએ કહ્યું છે કે, પેટા ચૂંટણી પહેલા મને મારવાની કોશિશ કરવામાં આવી છે. કારણ કે, મને ભવાનીપુરનો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ પણ બંગાળ પોલીસ જ કરી રહી છે એટલે પહેલાના અન્ય કેસની જેમ આ તપાસ પણ રફેદફે કરી દેવામાં આવશે. આ મામલામાં કોઇ એફઆઇઆર પણ નહીં થશે અને કોઇ ચાર્જશીટ પણ નહીં થશે.
