બુધવારે ભાજપ સરકારની કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ થઇ જવા રહ્યું છે. આ પહેલા સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સંગઠન મંત્રી બીએલ સંતોષ વચ્ચે બેઠકનો ખૂબ જ લાંબો દોર ચાલ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. 2019માં મોદી સરકાર બન્યા પછી પહેલી વખત કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. આમ તો ભાજપ જમ્બો મંત્રી મંડળ માટે જાણીતું નથી પરંતુ જે રીતે રાજ્યોના સમીકરણો બદલાઇ રહ્યાં છે તેના કારણે આ વિસ્તરણ થઇ રહ્યું હોવાની ચર્ચા રાજકીય ક્ષેત્રે ચાલી રહી છે. જેમના નામ આ લિસ્ટમાં ફાઇનલ થયા છે તેમને દિલ્હી બોલાવવામાં આવી રહ્યાં છે. આ મંત્રીમંડળના વિસ્તરણમાં તમામ રાજ્યોના દિગ્ગજ નેતાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તેના આધારે જ યાદી તૈયાર કરવામાં આવી છે.
જો કે, આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્રીય મંત્રી મંડળમાં જે નામ ફાયનલ ગણાઇ છે તેમાં પહેલું નામ જ્યોતિરાદિત્ય સિંધિયાનું છે. તેમણે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર ઉથલાવવામાં મહત્વની ભૂમિકા ભજવીને પાર્ટીને મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી જીતાડવામાં ભાગ ભજવ્યો છે. બીજી નામ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલનું આવે છે જેમણે હિમંત બિશ્વ સરમા માટે મુખ્યમંત્રીની ખુરશી છોડી દીધી છે અને ત્રીજું નામ પીલીભીંતના સાંસદ વરૂણ ગાંધીનું છે જેમને ઉત્તર પ્રદેશના ક્વોટામાંથી સમાવાઇ તેવી શક્યતા છે. બિહારમાંથી પશુપતિનાથ પારસ જેઓ ચિરાગ પાસવાનના કાકા છે તેમને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત પૂર્વ ઉપ મુખ્યમંત્રી શુશિલ કુમાર મોદી અને જેડીયુ ક્વોટામાંથી આરસીપી સિંહને અને સંતોષ કુમારને સ્થાન મળી શકે છે. ઉત્તર પ્રદેશમાંથી અપના દળની અનુપ્રિયા પટેલ અને ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહને પણ સ્થાન મળી શકે છે.
જો કે, આ બધાની વચ્ચે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને કેન્દ્રમાં લઇ જવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે જો કે, આ વાતને કોઇ સમર્થન મળતું નથી. સીઆર પાટીલની વાત કરીએ તો તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા પછી તેમણે ગુજરાતની તમામ 182 બેઠક પર વિજય પતાકા લહેરાવવાની વાત કરી છે. અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠે આઠ બેઠક જીતાડીને તેમણે સાબિત કરી આપ્યું છે કે, તેઓ કંઇ પણ કરી શકે છે. ખાસ કરીને ડાંગની બેઠકની વાત કરીએ તો એ બેઠક જીતવી જ ભાજપ માટે લોખંડના ચણા ચાવવા જેવી હતી પરંતુ તેમણે આ બેઠક માત્ર જીતાડી જ નહીં પરંતુ 60000ની જંગી લીડથી જીતાડી તેને ગુજરાતમાં જાદુથી ઓછું ગણવામાં આવતું નથી. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે પાટીદાર ફેક્ટર કામ કરી રહ્યું છે તે જોતા સીઆર પાટીલને કેન્દ્રમાં રાજ્ય કક્ષાના કાપડમંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચા પણ ભાજપમાં ચાલી રહી છે.