ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનના અમલ માટે આર્મી બોલાવવી પડી

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવા માટે લશ્કર ઉતારવામાં આવ્યું છે. કોવિડના રોગચાળામાં લૉકડાઉનનો અમલ કરાવવા માટે લશ્કરની મદદ લેવામાં આવી હોય તેવી વિશ્વમાં આ સંભવત: પ્રથમ ઘટના છે. સિડનીમાં લૉકડાઉનનો અમલ કરાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે ૩૦૦ જેટલા સૈનિકો મોકલ્યા છે. સિડની શહેરના ખાસ કરીને વિદેશથી આવેલા કામદારોની વસ્તીવાળા ગરીબ વિસ્તારોમાં લૉકડાઉનનો અમલ કરવા માટે આ સૈનિકોને ગોઠવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રસીકરણની ગતિ ધીમી છે, તેમાં પણ ગરીબ વિસ્તારોમાં તો ફક્ત ૧૩ ટકા જેટલા લોકોનું જ રસીકરણ થઇ શક્યું છે. ધનવાન વિસ્તારોમાં પણ ૨પ ટકા જેટલા લોકોનું રસીકરણ થઇ શક્યું છે. હવે ઓસ્ટ્રેલિયા ઝીરો કોવિડ વ્યુહરચના અપનાવી રહ્યું છે અને આ માટે કડક લૉકડાઉનનો અમલ કરાવી રહ્યું છે પરંતુ અત્યાર સુધીના પુરાવા જણાવે છે કે કડક લૉકડાઉન છતાં રોગચાળાનો દર શૂન્ય કરવો મુશ્કેલ છે. અને આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં લૉકડાઉનના અમલ બાબતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિઅન્ટ પણ ફેલાવા માંડ્યો છે જે એક ચિંતાની બાબત છે. લશ્કર ઉતારવામાં આવ્યું તે બાબતે લોકોના અહીં મિશ્ર પ્રતિભાવ છે. કેટલાક કહે છે કે આ જરૂરી છે, તો કેટલાક કહે છે કે આનાથી લોકોમાં નાહકનો ભય ફેલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *