ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના પર્વતીય ક્ષેત્રમાં બુધવારે બાંધકામ કામદારોને લઈ જતી બસ પર થયેલા હુમલામાં માર્યા ગયેલાં 13 લોકોમાં નવ ચીની એન્જિનિયરો પણ સામેલ હતા. જેના કારણે બેઇજિંગે ઇસ્લામાબાદને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા કરવા જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર કોહિસ્તાન જિલ્લાના દાસુ વિસ્તારમાં બની હતી. જ્યાં ચીનના એન્જિનિયરો અને બાંધકામ કામદારો પાકિસ્તાનને ડેમ બનાવવામાં મદદ કરી રહ્યા હતા. જે 60 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઇસી)નો ભાગ છે. અપર કોહિસ્તાનના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ આરિફે પોતાના પ્રારંભિક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીની એન્જિનિયરો અને કામદારોને લઈ જતી બસમાં દાસુ ડેમના સ્થળે વિસ્ફોટ થતાં નવ ચીની નાગરિકો અને બે ફ્રન્ટીયર કોર્પ્સના સૈનિકો સહિત ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ બાદ બસ એક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સભામાં બોલતા સંસદીય બાબતોના વડાપ્રધાનના સલાહકાર બાબર અવાને આ ઘટનાને ‘કાયરતાપૂર્ણ હુમલો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તે પાકિસ્તાન અને તેના પડોશીઓ વચ્ચેની ખાસ પહેલથી ધ્યાન હટાવશે નહીં. ચીનના સત્તાવાર ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ ઇસ્લામાબાદથી અહેવાલ આપ્યો છે કે, હજી સુધી કોઈ ગ્રુપે કે વ્યક્તિએ આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. બેઇજિંગમાં ચીને દાસુ હાઈડ્રોપાવર પ્લાન્ટ નજીક બસ પર થયેલા ‘બોમ્બ એટેક’ની નિંદા કરી હતી અને પાકિસ્તાન સરકારને આ ઘટના માટે જવાબદાર ગુનેગારોને ‘કડક સજા’ આપવાની હાકલ કરી હતી.
ચીનના નાગરિકોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ જેની હાલત ગંભીર છે તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં બચાવ 1122 એમ્બ્યુલન્સ અને અધિકારીઓ પહોંચી ગયા હતા.