બાંગ્લાદેશમાં લાગેલી આગમાં 52નાં મોત

ઢાકાના છેવાડે એક છ માળની ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 52 લોકોનાં મોત થયાં હતાં અને સંખ્યાબંધ લોકો દાઝી ગયા હતા. જીવ બચાવવા ઘણા લોકો સળગતી ઇમારતની નીચે કૂદી પડ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને નજરે જોનારાએ કહ્યું કે આગ ગુરુવારે સાંજે લાગી હતી. ફેક્ટરીમાં કામ કરનારા મોટા ભાગના કિશોરો હતા. હજી અંદર ઘણાં મૃતદેહો હોવાની શંકા છે અને સર્ચ ઓપરેશન જારી છે. અત્યાર સુધીમાં 49 મૃતદેહો મળી આવ્યા છે. અન્ય ત્રણના હૉસ્પિટલ લઈ જતાં કે સારવાર દરમ્યાન મોત થયાં હતાં. ટીવી ફૂટેજમાં દેખાતું હતું કે આગ છ માળની ઇમારતમાં હજી લપકારા મારતી હતી અને કાળો ધુમાડો નીકળતો હતો. આગ ચોથા માળેથી શરૂ થઈ હતી અને ત્યાં સર્ચ ઓપરેશન પૂરું થઈ ગયું છે. જો કે પાંચમા અને છઠ્ઠા માળે હજી મૃતદેહો હોવાની શંકા છે. આગ લાગી ત્યારે ઇમારતના ધાબા તરફના એક્ઝિટ પોઇન્ટને તાળું હતું.

અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવાતા હજી સમય લાગશે. આગ કેવી રીતે લાગી, આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલા લોકો હતા? હજી કેટલા લાપતા છે એ બધી વિગતો હજી મળી નથી. બાંગ્લાદેશનો ઔદ્યોગિક દુર્ઘટનાઓનો કરૂણ ઇતિહાસ રહેલો છે જેમાં ફેક્ટરીઓમાં આગનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2019માં કેમિકલ ગેરકાયદે સંગ્રહાતું હતું એ ફ્લેટ્સમાં આગ લાગતા 70 લોકોનાં મોત થયાં હતાં. 2013માં ગાર્મેન્ટ ફેક્ટરી કૉમ્પ્લેક્સ તૂટી પડતાં 1100થી વધુનાં મોત થયાં હતાં અને ત્યારબાદ બાંગ્લાદેશે કડક સલામતી નિયમો લાદ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *