જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે તેના ૧૧ કર્મચારીઓને કથિત રીતે ત્રાસવાદી સંગઠનો માટે ઓવર ગ્રાઉન્ડ કાર્યકરો તરીકે કામ કરવા બદલ હાંકી કાઢ્યા છે જેમાં હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના બે પુત્રો અને પોલીસ વિભાગના બે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જેમને ડીસમિસ્ડ કરાયા છે તે ૧૧ કર્મચારીઓ જમ્મુ કાશ્મીર પોલીસ, શિક્ષણ, કૃષિ, સ્કિલ ડેવલપમેન્ટ, પાવર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓનો તથા શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીજ(સ્કીમ્સ)ન કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓને ભારતીય બંધારણની કલમ ૩૧૧ હેઠળ ડીસમિસ્ડ કરાયા છે જેની હેઠળ કોઇ તપાસ યોજવામાં આવતી નથી અને છૂટા કરાયેલા કર્મચારીઓ રાહત માટે ફક્ત હાઇકોર્ટનો જ સંપર્ક કરી શકે છે. ડીસમીસ કરાયેલા કર્મચારીઓમાં સૈયદ શકીલ અને સૈયદ શાહીદનો પણ સમાવેશ થાય છે જેઓ હિઝબુલ મુજાહિદ્દીનના વડા અને મોસ્ટ વોન્ટેડ ઉગ્રવાદી સૈયદ સલાહુદ્દીનના પુત્રો છે. આમાંથી એક સ્કીમ્સમાં, જ્યારે બીજો શિક્ષણ વિભાગમાં કર્મચારી હતો એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેઓ બંનેને ટેરર ફંડીંગમાં કથિત સંડોવણી બદલ ડીસમીસ કરાયા છે. આ ડીસમિસ કરાયેલા કર્મચારીઓ પર ત્રાસવાદી ભંડોળમાં મદદ, ત્રાસવાદીઓને આશરો આપવો જેવા આરોપો છે એમ જાણવા મળે છે.
