અફઘાનિસ્તાનના પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ અશરફ ગની જે હેલિકોપ્ટરમાં દેશ છોડીને જતા રહ્યા હતા તે હેલિકોપ્ટરમાં રોકડ નાણુ ઠાંસી ઠાંસીને ભર્યું હતું એમ રશિયાના સત્તાવાર મીડિયા અહેવાલોએ આજે જણાવ્યું હતું. કાબૂલ ખાતેના રશિયન દૂતાવાસના એક અધિકારીને ટાંકીને રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી તાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એરપોર્ટ તરફ જઇ રહેલા ગનીની કાર સાથે બીજી ચાર કારો હતી જેમાં રોકડ નાણાના બંડલો ભર્યા હતા. આ બધા પૈસા તેમણે હેલિકોપ્ટરમાં ઠાંસવાનો પ્રયાસ કર્યો હતો પણ બધા નાણા મૂકી નહીં શકાતા કેટલાક નાણાના બંડલો એર ફિલ્ડ પર જ છોડી દેવાયા હતા એમ અહેવાલમાં જણાવાયું હતું. રવિવારે અફઘાનિસ્તાનના પ્રમુખપદેથી રાજીનામુ આપીને દેશ છોડીને પાડોશના કોઇ દેશમાં આશરો લેનાર અશરફ ગનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કાબૂલમાં લોહી રેડાતું અટકાવવા માટે પોતે રાજીનામુ આપીને અફઘાનિસ્તાન છોડી દીધું છે. તાલીબાન લડાકુઓ રવિવારે કાબૂલમાં પ્રવેશ્યા તેની થોડી વાર પહેલા જ અશરફ ગનીએ પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધું હતું અને તાલીબાનો કાબૂલમાં પ્રવેશ્યા તેના થોડા કલાકો પછી તેઓ ખાસ હેલિકોપ્ટરમાં દેશ છોડીને જતા રહ્યા હતા.
તેમણે પાડોશના તાજિકીસ્તાનમાં આશરો લીધો હોવાનું કહેવાય છે. એક અહેવાલ પ્રમાણે ઉઝબેકિસ્તાનમાં આશરો લીધો છે. અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં અશરફ ગનીએ કહ્યું હતું કે જો મેં રાજીનામુ આપ્યું ન હોત તો તાલીબાનો મને ઉથલાવવા માટે કાબૂલ પર હુમલો કરતે અને ઘણા લોકો શહીદ થઇ જતે. સાઠ લાખની વસ્તીવાળા આ શહેર માટે એક મોટી હોનારત સર્જાઇ હોત અને તે ટાળવા માટે મેં અફઘાનિસ્તાન છોડી દીધું એમ ગનીએ ગઇકાલે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું. એક શિક્ષણ શાસ્ત્રી અને અર્થશાસ્ત્રી એવા ૭૨ વર્ષીય અશરફ ગની અફઘાનિસ્તાનના ૧૪મા પ્રમુખ હતા અને પાંચ વર્ષની એક ટર્મ પુરી કર્યા બાદ ૨૦૧૯માં બીજી વખત પ્રમુખપદે ચૂંટાયા હતા. તો બીજી તરફ અમેરિકાની વિનંતીથી ત્રણ વર્ષ કરતા પણ ઓછા સમયમાં જેમને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા તે તાલિબાનોના નેતા અફઘાનિસ્તાનમાંના ૨૦ વર્ષના યુદ્ધમાં કોઇ પણ વાદ વિવાદ વગર વિજયી બનીને બહાર આવ્યા છે એમ એક બ્રિટિશ મીડિયા અહેવાલ જણાવે છે. તાલિબાનોના હાલના ટોચના નેતા જો કે હૈબતુલ્લાહ અખુંદઝાદા છે પણ બરાદર એ રાજકીય વડા છે અને સૌથી જાણીતો ચહેરો છે.
તેઓ દોહા, કતારથી કાબૂલ આવવા રવાના થઇ ગયા હોવાના અહેવાલ છે. કાબૂલ તાલિબાનોના કબજામાં આવ્યું તેના પછી એક ટી.વી. નિવેદનમાં બરાદરે કહ્યું હતું કે તાલિબાનોની સાચી કસોટી હવે શરૂ થશે, કારણ કે તેમણે હવે દેશની સેવા કરવાની છે એમ બ્રિટનના ધ ગાર્ડીયન અખબારે જણાવ્યું હતું. આ ઉપરાંત અમેરિકી સંરક્ષણ અધિકારીઓએ આજે વરિષ્ઠ તાલિબાન અધિકારીઓ સાથે કતારની રાજધાની દોહામાં એક બેઠક યોજી હતી અને તેમને વિનંતી કરી હતી કે કાબૂલમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ અને અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની કામગીરીમાં તાલીબાન લડાકુઓ કોઇ અવરોધ નહીં ઉભો કરે. શું વાતચીત થઇ એ જાણવા મળ્યું નથી. જો કે અધિકારીઓએ જણાવ્યું હતું કે દખલગીરી નહીં કરવા તાલિબાનોને વિનંતી કરાઇ છે અને જો કરશે તો જરૂર પડ્યે અમેરિકી લશ્કર બળપ્રયોગ પણ કરશે. બીજી બાજુ અમેરિકાએ કાબૂલ એરપોર્ટ પર પોતાના સૈનિકોની સંખ્યા વધારીને ૬૦૦૦ કરવાનો નિર્ણય કર્યો છે.