ભારતમાં રોજનું દોઢ કરોડ લોકોનું વેક્સિનેશન : નરેન્દ્ર મોદી

ભારત દેશભરમાં કોવિડ-૧૯ની રસીના રોજના ૧.૧પ કરોડ ડોઝ લોકોને મૂકે છે એમ વડાપ્રધાન મોદીએ આજે જણાવતા કહ્યું હતું કે આ આંકડો કેટલાક દેશોની સમગ્ર વસ્તી કરતા પણ મોટો છે. હિમાચલ પ્રદેશમાં રસી લેવાલાયક તમામ વસ્તીને કોવિડની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો તે પ્રસંગે આ રાજ્યની પ્રજાને સંબોધન કરત મોદીએ કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ૭૦ કરોડ લોકોને રસીના ડોઝ અપાઇ ગયા છે. તે સાથે તેમણે લોકોને ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે લોકોએ દવાઇ ભી ઔર કડાઇ ભી એ વાત ભૂલવી જોઇએ નહીં. મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે રસીકરણ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, અનુરાગસિંહ ઠાકુર, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના નેતાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મોદીએ રસીકરણ માટે અથાગ પ્રયાસો કરનાર ડોકટરો, નર્સો સહિતના આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકો સહિતના આ કાર્યમાં મદદરૂપ થનાર અન્ય કર્મચારીઓની પ્રશંસા કરી હતી. આ સંવાદ દરમિયાન, ડોડરા ક્વાર સીમલાની સિવિલ હોસ્પિટલના ડૉ. રાહુલ સાથે સંવાદ કરતી વખતે પ્રધાનમંત્રીએ રસીનો ઓછામાં ઓછો બગાડ કરવા બદલ તેમની ટીમની પ્રશંસા કરી હતી અને મુશ્કેલ તેમજ દુર્ગમ વિસ્તારોમાં પણ સેવા આપવા અંગેના તેમના અનુભવો વિશે ચર્ચા કરી હતી. રસીકરણના એક લાભાર્થી મંડીના થુનાગના રહેવાસી દયાળસિંહ સાથે વાત કરતી વખતે વડાપ્રધાને તેમની સાથે રસીકરણની સુવિધાઓ અંગે અને કેવી રીતે રસીકરણ સંબંધિત અફવાઓનો તેઓ સામનો કરે છે તે વિશે પૂછપરછ કરી હતી. વડાપ્રધાને હિમાચલમાં ચલાવવામાં આવી રહેલી વિવિધ આરોગ્ય યોજનાઓની પ્રશંસા કરી હતી. ઉનાના રહેવાલી કરમો દેવીજી અત્યાર સુધીમાં 22500 લોકોને રસી આપવાનું વિશિષ્ટ બહુમાન ધરાવે છે.

તેમણે પોતાના પગમાં ફ્રેક્ચર થયું હોવા છતાં રસીકરણ અભિયાનમાં પોતાની ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું હોવાથી વડાપ્રધાને તેમના જુસ્સા અને લાગણીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ કરમો દેવી જેવા લોકોના પ્રયાસોના કારણે જ એકધારો ચાલી રહ્યો છે. મોદીએ લાહૌલ સ્પિતિને સૌથી વધારે ઝડપથી રસીકરણ કવાયત અપનાવનાર પ્રદેશ બનાવવામાં બૌદ્ધ ધર્મગુરુઓએ કરેલી મદદ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતમાં રસીકરણની સફળતા તેના નાગરિકોના જુસ્સા અને સખત પરિશ્રમનું જ પરિણામ છે. ભારત એક દિવસમાં 1.25 કરોડ લોકોના રસીકરણની વિક્રમી ગતિએ પોતાના રસીકરણ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું છે. આનો અર્થ એવો થાય કે, ભારતમાં થઇ રહેલા દૈનિક રસીકરણનો આંકડો સંખ્યાબંધ દેશોની કુલ વસ્તી કરતાં વધારે છે. વડાપ્રધાને રસીકરણ કાર્યક્રમમાં યોગદાન આપનારા તમામ ડૉક્ટરો, આશા કામદારો, આંગણવાડી કામદારો, મેડિકલ કર્મચારીઓ, શિક્ષકો અને મહિલાઓની કામગીરીની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *