એક 19 વર્ષીય રોજમદારને થોડા જ સમયના અંતરમાં કોવીશીલ્ડ વેક્સિનના બે ડોઝ લગાવવામાં આવ્યા હતા, આ બનાવ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના સુલ્લિયા તાલુકામાં એક વેક્સિનેશન કેમ્પમાં બન્યો હતો જ્યાં બહુ જ ભીડ હતી. તેને કેન્દ્ર પર 3 કલાક સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘરે મોકલી દેવાયો હતો. આરોગ્ય અધિકારીઓ બુધવારથી તેના ઘરે જઈને તેની તપાસ કરી રહ્યા છે અને ગુરુવારની સાંજ સુધી કોઈ પ્રતિકૂળ અસરના અહેવાલ આવ્યા ન હતા, એમ તાલુકાના આરોગ્ય અધિકારી ડો. બી નંદકુમારે કહ્યુ હતું. રોજમદાર તરીકે કામ કરતા કે બી અરૂણ કોતેલુ ગામનો નિવાસી છે, સુલ્લિયા તાલુકામાં દુગ્ગાલકડા હાઈ સ્કુલમાં તે બુધવારે વેક્સિનેશન માટે ગયો હતો જ્યાં આરોગ્ય સહાયકે તેને વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો.તે થોડી વાર સુધી રૂમમાં બેઠો રહ્યો હતો ત્યારે તે જ આરોગ્ય કર્મચારીઓએ તેને બીજી વખત વેક્સિન લગાવી હતી, તેમને ખબર જ ન હતી કે તેને પહેલાથી રસી આપવામાં આવી છે. ડો. નંદકુમારે કહ્યુ હતું કે યુવક વેક્સિન લીધા બાદ પણ ત્યાંથી ગયો ન હતો આ કારણથી મૂંઝવણ ઉભી થઈ હતી. તેને એવુ હતું કે મુસાફરી માટે વેક્સિનના બે ડોઝ લેવા જરૂરી છે. માસ્કના કારણે નર્સ પણ તેને ઓળખી શકી ન હતી.
