રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોટની અહીંના એક સરકારી હોસ્પિટલમાં શુક્રવારે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ‘તેમની એક ધમની 90 ટકા બ્લોક હતી અને તેમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકવામાં આવ્યુ હતું. તેમની તબિયત સારી છે’, એમ એસએમએસ મેડિકલ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સુધીર ભંડારીએ પત્રકારોને જણાવ્યું હતું. 70 વર્ષીય કોંગ્રેસ નેતાને આ વર્ષે એપ્રિલ મહિનામાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને ત્યારબાદથી તેમને કાવિડ પછીની સમસ્યાઓ થઈ રહી છે. ડૉ. ભંડારીએ કહ્યુ હતું ગેહલોતે છાતીમાં ભારેપણાની અને ગળામાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમનું ઈસીજી કરવામાં આવ્યું હતું જે નોર્મલ આવ્યું હતું. ‘જો કે અમે તેમને સીટી એન્જિયોગ્રાફી કરાવવા કહ્યું હતું. ધમની 90 ટકા બ્લોક હતી એટલે એક સ્ટેન્ટ મુકવામાં આવ્યુ હતું’, એમ તેમણે ઉમેર્યું હતું.
ડૉ. ભંડારીએ જણાવ્યું હતું કે ગેહલોતે સામાન્ય નાગરિકની જેમ રાજસ્થાન ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં નોંધણી કરાઈ હતી અને એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગેહલોતને ઝડપથી સાજા થવાની શુભેચ્છા આપી હતી. જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ગેહલોતને જલ્દીથી સાજા થવા શુભેચ્છા પાઠવી હતી.