વિતેલા કેટલાક દિવસથી સતત ચર્ચામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર(MAHARASTRA)ના મજબૂત નેતા અને કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમને સારવાર માટે મુંબઇની લિલાવતી હોસ્પિટલ (LILAVATI H0SPITAL) માં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. તેમની તબિયત લથડવાના સમાચાર વહેતા થતાં જ તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં જ નારાયણ રાણે (NARAYAN RANE) ના મામલે મોટો વિવાદ થયો હતો. તેમણે શિવસેના સુપ્રિમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (UDDHAV THAKRE)ને કાનની નીચે એક આપવાની વાત કહી હતી જેના કારણે મામલો ગરમાઇ ગયો હતો અને શિવસૈનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઠેર ઠેર તેમના વિરોધમાં દેખાવ થયા હતા અને અનેક ઠેકાણે ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં બે જુદા જુદા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ તેમને બંને કેસમાં જામીન મળી ગયા હતા. જામીન મળ્યા પછી ફરીથી એક વાર તેમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને જાહેરાત કરી હતી કે, બંને કેસમાં તેમના પક્ષમાં ન્યાય આવ્યો છે તે જ દર્શાવે છે કે, આ દેશમાં હજી પણ કાયદા જીવંત છે. આ પ્રેસ કોન્ફોરન્સમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, તેમણે જે નિવેદન કર્યું હતું તેમાં કંઇ જ ખોટું ન હતું અને તે નિવેદન માટે તેમને કોઇ અફસોસ પણ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નારાયણ રાણેને મહારાષ્ટ્રના કદાવર નેતા માનવામાં આવે છે ખાસ કરીને રાયગઢ અને રત્નાગીરીમાં તેમનું ભારે વર્ચસ્વ છે. કોંકણ પટ્ટી પર તેમની મજબૂત પકડ છે. વર્ષો સુધી તેમણે શિવસેના(SHIV SENA) સાથે મળીને કામ કર્યું હતું અને તેના કારણે જ તેમની ઓળખ પણ ઊભી થઇ હતી. શિવસેના છોડ્યા પછી તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મજબૂત કરવાની કામગીરી પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ તેમણે થોડા સમય પહેલા કેસરિયો ધારણ કરી લીધો હતો. હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમને કેન્દ્રિય મંત્રી મંડળમાં પણ સ્થાન આપ્યું છે. મહારાષ્ટ્રની કોંકણ પટ્ટીમાં તેમના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં છે. મૂળ ગોવા નજીકના માલવણ ગામના નારાયણ રાણેને મહારાષ્ટ્રના રાજકારણના માંધાતા ગણવામાં આવે છે.