સંયુક્ત અરબ અમીરાતનું કહેવું છે કે, તેમણે ‘માનવતાવાદી કારણો’ માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને સ્વીકાર્યા છે. તાલિબાની કાબુલ નજીક પહોંચ્યાની સાથે જ ગની અફઘાનિસ્તાનથી દેશ છોડીને ભાગી ગયા હતા. યુએઈની સરકાર સંચાલિત ડબ્લ્યુએએમ ન્યૂઝ એજન્સીએ બુધવારે આપેલા નિવેદનમાં તે નથી જણાવવામાં આવ્યું કે, ગની દેશમાં કઈ જગ્યાએ છે. તેમણે દેશના વિદેશ મંત્રાલયને ટાંકીને માત્ર એક વાક્યનું નિવેદન આપ્યું હતું. તો બીજી તરફ ચીને બુધવારે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનને રાજદ્વારી માન્યતા આપવાનો નિર્ણય દેશમાં સરકારની રચના થયા બાદ જ લેવામાં આવશે. તેમજ આશા વ્યક્ત કરી કે, તે ખુલ્લી, સમાવિષ્ટ અને વ્યાપક પ્રતિનિધિ’ ધરાવતી સરકાર હશે.
અફઘાનિસ્તાન પર કબજો જમાવનાર તાલિબાનને ચીન ક્યારે રાજદ્વારી માન્યતા આપશે તે અંગેના સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે, સરકારની રચના થયા પછી રાજદ્વારીની માન્યતા આપવામાં આવે તે પરંપરાગત આંતરરાષ્ટ્રીય પ્રથા છે. અફઘાન મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ અને સુસંગત છે. અમને આશા છે કે, અફઘાનિસ્તાન એક ખુલ્લી, સમાવિષ્ટ અને વ્યાપક પ્રતિનિધિ ધરાવતી સરકાર બનાવી શકે છે. જે પોતાના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની આકાંક્ષાઓને દર્શાવે છે.તેમણે જણાવ્યું કે, ચીનને આશા છે કે અફઘાનિસ્તાનમાં જૂથો વાતચીત અને પરામર્શ દ્વારા એક ખુલ્લું અને સમાવેશી રાજકીય માળખું સ્થાપિત કરશે. તેમજ યોગ્ય સ્થાનિક અને વિદેશી નીતિઓ અમલમાં મૂકશે અને અફઘાનિસ્તાનમાં વિદેશી સંસ્થાઓ અને કર્મચારીઓની સલામતીનું રક્ષણ કરશે.