તાલિબાનોને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનનું ખુલ્લું સમર્થન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે તાલિબાનોને ખુલ્લું સમર્થન આપતા હોય તે રીતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે. પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીના દેશભરના સમાન અભ્યાસક્રમનો આરંભ કરાવવા માટેના એક સમારંભમાં પ્રવચન કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે જ્યારે તમે કોઇ બીજાની સંસ્કૃતિ અપનાવો છો અને માનો છો કે તે વધુ ચડીયાતી છે તો તમે તેના ગુલામ બની જાવ છો. તેમણે વધુમાં કહ્યું હતું કે આવી સ્થિતિ માનસિક ગુલામી સર્જે છે જે ખરેખરી ગુલામી કરતા પણ ખરાબ છે. આ સાથે જ તેમણે અફઘાનિસ્તાનમાં જે કાંઇ થયું તેને ગુલામીની સાંકળો તોડવા સાથે સરખાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર આમ પણ આક્ષેપો થઇ રહ્યા છે કે તે જ તાલિબાનોને આગેકૂચમાં મદદ કરી રહ્યું છે અને આ આક્ષેપો ઇમરાનખાનના નિવેદન સાથે સાચા પડતા જણાય છે. દરમ્યાન, તાલિબાનોને દેખીતો ટેકો આપતા નિવેદનમાં ચીને પણ કહ્યું છે કે તેને આશા છે કે તાલિબાનો એક ખુલ્લી અને સૌને સાથે લઇને ચાલનાર ઇસ્લામી સરકાર આપશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચિનયુને કહ્યું હતું કે અમે અફઘાન પ્રજાની ઇચ્છા અને પસંદગીને માન આપીએ છીએ.

તો બીજી તરફ અમેરિકી પ્રમુખ જો બાઇડન તથા ટોચના અમેરિકી અધિકારીઓ તાલિબાનોએ જે ઝડપથી આખું અફઘાનિસ્તાન કબજે કરી લીધું તેનાથી ડઘાઇ ગયા છે અને અમેરિકાના દળોની પાછી ખેંચવાની પ્રક્રિયા હવે અમેરિકનોને સલામત રીતે બહાર કાઢવાની પ્રક્રિયામાં પલટાઇ ગઇ છે. અફઘાનિસ્તાનની સરકારનું જે ઝડપે પતન થયું અને તેને પગલે જે અંધાધૂંધી સર્જાઇ તેને કારણે કમાન્ડર ઇન ચીફ એેવા બાઇડનના માટે સૌથી ગંભીર કસોટી સર્જાઇ છે અને તેઓ રિપબ્લિકનોની ટીકાઓનો ભોગ બની રહ્યા છે જેઓ કહે છે કે પ્રમુખ નિષ્ફળ ગયા છે. બાઇડને ચૂંટણી પ્રચારમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પીઢ નિષ્ણાત તરીકે પ્રચાર કર્યો હતો અને તાલિબાનો ફરી આવી શકે છે તે બાબતની અવગણના કર્યે રાખી હતી અને દલીલ કરી હતી કે તમામ રાજકીય ખયાલોવાળા અમેરિકનો ૨૦ વર્ષથી ચાલતા યુદ્ધથી થાકી ગયા છે, જે યુદ્ધે કોઇ સમાજ, કે જે સ્વીકારવા તૈયાર ન હોય તેના પર પશ્ચિમી સ્ટાઇલની લોકશાહી લાદવામાં નાણા અને લશ્કરની શક્તિની મર્યાદા ખુલ્લી પાડી દીધી હતી.

એ ચોક્કસ બાબત છે કે અફઘાન શહેરો જે રીતે તાલિબાનોના હાથમાં ગયા તેની કોઇએ ધારણા કરી ન હતી. અમે અફઘાન સૈનિકોને શ્રેષ્ઠ સાધનો અને શ્રેષ્ઠ તાલીમ આપી પણ તાલિબાનો સામે લડવાની ઇચ્છા શક્તિ તેમને આપી ન શક્યા એમ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવાને કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *